સ્પેનમાં 24 કલાકમાં 838 દર્દીઓના મોત

444

શુક્રવારે 24 કલાકમાં 769 લોકોએ દમ તોડ્યો હતો

એજન્સી, મેડ્રિડ

વર્તમાન સમયમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત ઇટાલી અને સ્પેનમાં દિવસ-દિવસે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કોરોના વાયરસના ચેપથી સ્પેનમાં વિતેલા 24 કલાકમાં 838 લોકોના મોત થયા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધારે મોતનો રેકોર્ડ છે. આ પહેલા શુક્રવારે 24 કલાકમાં 769 લોકોના મોત થયા હતા.

કોરોના વાયરસ મહામારી ખૂબ જ ઝડપથી સ્પેનને ઝપેટમાં લઇ ચૂકી છે. અહીં કોરોના વાયરસના કેસો પ્રતિ દિવસ વધી રહ્યા છે. જેના કારણે કુલ કેસોની સંખ્યા 73 હજારને પાર પહોંચી ચૂકી છે. જેમાં 5900થી વધારે લોકો જીવ ગુમાવી બેઠા છે.

સ્પેનની સાથે-સાથે ઇટાલીમાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. કોરોના વાયરસથી અહીં 10 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે દર્દીઓની સંખ્યા 92 હજારથી વધુ છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને રોકવા માટે સ્પેનમાં 14 માર્ચથી લોકડાઉન છે જે લગભગ 11 એપ્રિલ સુધી રહે એવી સંભવના છે, પરંતુ જે પ્રમાણે કેસો વધી રહ્યા છે એ મુજબ લોકડાઉન કેટલુ વધે એનુ કોઇ અનુમાન લગાવી શકાય એમ નથી.

વિશ્વસ્તરે કોરોના વાયરસના પોઝિટીવ કેસોની વાત કરીએ તો અત્યાર સુધી સાડા છ લાખથી વધુ દર્દીઓ છે. જેમાં સૌથી વધારે કેસો અમેરિકામાંથી સામે આવ્યા છે. અહીં એક લાખથી વધુ કોરોના વાયરસના પોઝિટીવ કેસો સામે આવી ચૂક્યા છે.

Share Now