નવી દિલ્હી, 29 માર્ચ 2020 રવિવાર
દેશની રક્ષા કરનાર સીમાના સૈનિકો પણ હવે કોરોનાની મહામારીથી બચી શકયા નથી. બી.એસ.એફમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે, મધ્યપ્રદેશના ટેકનપુરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના 50 જવાનોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ નિર્ણય અહીંના બીએસએફ અધિકારીમાં કોરોના વાયરસ મળ્યા બાદ લેવામાં આવ્યો છે. ટેકનપુર મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત છે. અહીં બીએસએફનું એક આધુનિક તાલીમ કેન્દ્ર છે.
તપાસ દરમિયાન આ કેન્દ્રનો એક અધિકારી કોરોના પોઝીટીવ હોવાનું જણાયું હતું. ત્યારબાદ, અધિકારીના સંપર્કમાં આવેલા તમામ 50 અધિકારીઓ અને સૈનિકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
બીએસએફના ડોકટરો આ સૈનિકોના આરોગ્ય પર નજર રાખી રહ્યા છે. જે 57 વર્ષનાં બીએસએફ ઓફિસરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમની પત્ની 15 દિવસ પહેલા બ્રિટનથી આવી હતી અને તેથી જ આ સંક્રમણ જવાનમાં પણ જોવા મળ્યું છે.
બીએસએફનાં આ અધિકારીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ જવાન 15 થી 19 માર્ચની વચ્ચે એડીજી. આઇજી રેન્કના અધિકારીયો સાથે પણ બેઠકમાં ઉપસ્થિત હતો માટે હવે દરેક અધિકારીને પણ કવોરન્ટાઇન કરાયા છે.