દેશના સાત રાજ્ય કોરોના મહામારીના હોટસ્પોટ : આરોગ્ય મંત્રાલય

289

। નવી દિલ્હી ।

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતં કે, કેન્દ્ર સરકાર દેશમાં કોરોના વાઇરસના ઊભરી રહેલા હોટસ્પોટની ઓળખ કરવા અને કોરોના વાઇરસને ચોક્કસ વિસ્તારોમાં ઝડપથી પ્રસરતો અટકાવવાની વ્યૂહરચના યુદ્ધના ધોરણે અમલી બનાવવામાં વ્યસ્ત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કેબિનેટ સેક્રેટરીએ તમામ રાજ્યોના મુખ્યસચિવો સાથે બેઠકો હાથ ધરીને કોરોનાનો પ્રસાર અટકાવવા અસરકારક પગલાંના અમલ માટે સ્થિતિની સમીક્ષા કરી હતી. કોરોના કેસના મામલામાં મહારાષ્ટ્ર અને કેરળ સૌથી અસરગ્રસ્ત રાજ્યો બની રહ્યાં છે. ત્યારબાદ કર્ણાટક, તેલંગણા, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ રાજ્યોમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોની સંખ્યાં ૫૦થી ઉપર ચાલી ગઇ છે.

કોરોના માટે અલગ હોસ્પિટલો તૈયાર થશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે અલગ હોસ્પિટલો તૈયાર કરવાનો આદેશ આપ્યો છે જેથી અન્ય રોગના દર્દીઓ તેમના સંપર્કમાં ન આવે. તે ઉપરાંત તમામ રાજ્યોને હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાના આદેશ પણ જારી કરાયા છે. અગરવાલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ સામે લડવા માટે ૧૦ વિશેષ ટીમ તૈયાર કરાઇ છે.

મેડિકલ સપ્લાય સુનિશ્ચિત કરવા આદેશ

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ રાજ્ય સરકારોને માસ્ક, ગ્લોવ્ઝ અને સેનિટાઇઝરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. એનપીપીએના ચેરમેન શુભ્રા સિંહે આ માટે તમામ રાજ્યોના આરોગ્ય અને મુખ્ય સચિવોને પત્ર લખ્યા છે.

Share Now