-કોરોનામાં કરવા પડે તેવા ફરજ્યાત કામ કરાશે
– કોરોના કંટ્રોલ માટે મહત્વના નિર્ણય સામાન્ય સભામાં લેવાશેઃ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી ઓન લાઈન ચર્ચા કરશે
સુરત, તા. 30 માર્ચ 2020 સોમવાર
કોરોના કહેર વચ્ચે સુરત મહાનગરપાલિકાની ખાસ અગત્યની સામાન્ય સભા મળશે પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી આ બેઠક સ્થાયી સમિતિની જેમ ઓન લાઈન વિડિયો કોન્ફરન્સ દ્વારા મળશે.
મહિનામાં એક વાર સામાન્ય સભા ફરજ્યાત હોય છે પરંતુ કોરોનાના કારણે મહત્વના નિર્ણય લેવાના હોવાથી આજની સામાન્ય સભા ઓન લાઈન મળશે. મહાનગરપાલિકાની સામાન્ય સભા વિડિયો કોન્ફરન્સથી કરનાર સુરત મ્યુનિ. ગુજરાતમાં જ નહીં પરંતુ દેશની પહેલી મહાનગરપાલિકા બનશે.
સુરતમાં કોરોનાના કારણે ગત ગુરૂવારે સ્થાયી સમિતિની બેઠક વિડિયો કોન્ફરન્સથી મળી હતી. આ બેઠકમાં 12 સભ્યો અને અધિકારી, અધ્યક્ષ ઓન લાઈન જોડાયા હતા. તે ગુજરાતની પહેલી ઘટના હતી. જોકે, આજે મોડી સાંજે સુરત મ્યુનિ.ની સામાન્ય સભામાં 116 કોર્પોરેટર, અધિકારીઓની બોર્ડની બેઠક ઓન લાઈન મળવા જઈ રહી છે તે દેશની પહેલી ઘટના બનશે.
કોરોના અટકાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ ડિસ્ટન્સ જાણવવા માટેની અપીલ કરી હતી. કોરોના સામે લડવા માટે સૌથી અગત્યનું સોશ્યલ ડિસન્ટન્સ જરૂરી હોવાથી સુરત મ્યુનિ. તંત્ર તેનું પાલન કરી રહ્યું છે.
આજે સાંજે મ્યુનિ.ની ફરજ્યાત સામાન્ય સભાની બેઠક વિડિયો કોન્ફરન્સથી મળશે. જેમાં મેયર અને અધિકારીઓ મ્યુનિ.થી જ્યારે તમામ કોર્પોરેટરો પોતાના ઘરથી આ બેઠકમાં જોડાશે.
મ્યુનિ. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજની આ બેઠકમાં કોરોના સામે લડવા માટે અનેક અગત્યના નિર્ણય લેવામાં આવશે. જેના કારણે પણ આજની સામાન્ય સભા અગત્યની બની જશે.
સુરતના 116 કોર્પોરેટર અને અધિકારીઓની આ બેઠક મળશે. જેની સાથે સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકા ઓન લાઈન સામાન્ય સભા કરનાર પહેલી મહાનગર પાલિકા બની જશે.