બેંગકોક, તા.30. માર્ચ 2020, સોમવાર
ભારતીયોના મનપસંદ ગણાતા પર્યટન સ્થળ થાઈલેન્ડમાં કોરોના સામે ઝઝૂમતી જનતાને છોડીને રાજા પોતે જર્મની રજા ગાળવા માટે જતા રહ્યા છે. તેમની સાથે તેમનો આખો રસાલો છે.જેમાં 20 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
થાઈલેન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમે જર્મનીના બાવેરિયા પ્રાંતની એક આખી હોટલને ભાડે લઈ લીધી છે.જ્યાં તેઓ પોતાના સ્ટાફ સાથે આઈસોલેટ થઈ ગયા છે. જેમાં તેમની સાથે 20 મહિલાઓ પણ છે. જોકે તેમની ચાર પત્નીઓ ક્યાં છે તેની કોઈને જાણ નથી.
આમ તો બાવેરિયા પ્રાંતમાં ટુરિસ્ટો માટે હોટલો બંધ કરી દેવાઈ છે પણ 67 વર્ષીય રાજા રામ દશમ માટે સ્થાનિક તંત્રે વિશેષ પરવાનગી આપી છે. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ પણ છે. આમ તો રાજા રામ દશમ સાથે મોટો કાફલો હતો પણ બીજા 119 લોકોને જર્મન સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જર્મનથી થાઈલેન્ડ પાછા મોકલી દીધા છે.
જોકે થાઈલેન્ડની જનતાને રાજાની આ હરકત પસંદ આવી નથી. આમ તો થાઈલેન્ડમાં રાજાની સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા બદલ 15 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. પણ કોરોનાા સંકટ સમયે જ રાજા પલાયન થયા હોવાથી લોકો આ પ્રકારની સજાના ભય છતા તેમની સામે સોશ્યલ મીડિયામાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. 12 લાખ લોકોએ છેલ્લા 24 કલાકમાં કોમન્ટો કરી છે.
થાઈલેન્ડના રાજા ફેબ્રુઆરીથી દેશની બહાર છે.તેઓ પહેલા સ્વિતર્ઝલેન્ડ ગયા હતા અને હવે જર્મનીમાં છે.રાજા રામ દશમે ચાર લગ્નો કર્યા છે. પહેલાની ત્રણ પત્નીઓને તે છુટાછેટા આપી ચુક્યા છે. તેમણે પોતાની જ બોડીગાર્ડ સાથે ચોથા લગ્ન કર્યા છે.