કોરોના વાયરસના કહેરથી દુનિયા આખી ઝઝુમી રહી છે પણ ચીનમાં આ મહામારી પર જીત હાંસલ કરવાનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તે પણ સસલા અને બતકનું માસ ખાઈને. એટલુ જ નહીં પણ ચીનમાં ફરી એકવાર ચામાચીડિયાના માસનું વેચાણ કુદકે ને ભુસકે વધવા લાગ્યું છે.
ચીનના વુહાનમાંથી જ દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો હતો. માનવામાં આવે છે કે, પેંગોલિનથી ચામાચીડિયા ખાવાથી જ કોરોના વાયરસ માનવ શરીરમાં પ્રવેશ્યો હતો.
ચીનમાં કોરોના વાયરસ પર નિયંત્રણ કરી લેવામાં આવ્યું છે. જેને લઈને લોકો ઉજવણી કરી રહ્યાં છે. આ જશ્ન મનાવતી વખતે કુતરા, બિલાડી, સસલા અને બતકના લોહીથી ઘરની છતો લાલ રંગે રંગાઈ ગઈ હતી. ચારેકોર મરેલા જાનવરોના અવશેષ જ નજરે પડતા હતાં. આ દરમિયાન ચીનમાં ગંદકીથી ખદબદતા મીટ માર્કેટને ફરી એકવાર ખોલી દેવામાં આવ્યા છે. ત્રણ મહિના પહેલા વુહાનમાં આ રીતે જ એક મીટ માર્કેટમાં કોરોના વાયરસ લોકોમાં ફેલાઈ ગયો હતો.
દુનિયાભરમાં અત્યાર સુધીમાં 34 હજાર લોકો મોતને ભેટ્યા
ચીનની એક ભૂલનું પરિણામ આખી દુનિયાએ ભોગવવુ પડી રહ્યું છે. આ મહામારીથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 34 હજાર લોકો માર્યા ગયા છે અને 7,23,434 લોકો તેનાથી સંક્રમિત થયા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસથી આવનાર સમયમાં હજી પણ લાખો લોકો મોતને ભેટી શકે છે. કહેવામાં આવે છે કે, દક્ષિણ પશ્ચિમ ચીનમાં ગુઈલિન વિસ્તારમાં હજારો લોકો મીટ માર્કેટ પહોંચી ગયા છે અને ત્યાં વેચાઈ રહેલા માસ અને જીવતા જાનવરો ખરીદવાનું ફરી એકવાર શરૂ કરી દીધું છે.
બજારોમાં પિંજરામાં જુદી જુદી પ્રજાતિઓના જાનવરો રાખવામાં આવ્યા છે જેમનું વેચાણ ચાલુ છે. ચીની બજારોમાં હાલ પણ ચામાચીડિયા વેચવામાં આવી રહ્યાં છે. અન્ય એક બજારમાં ચામાચીડિયા, વિંછી અને અન્ય જાનવરો વેચવામાં આવી રહ્યાં છે. ચીનમાં લોકડાઉન હટાવી દેવામાં આવતા જ આ દ્રશ્ય ત્યારે સામે આવ્યા છે. સરકાર લોકોને પ્રોત્સાહિત કરી રહી છે કે તે બજારોમાં જાય અને રોજીંદી જીંદગી જીવવાનું શરૂ કરે જેથી કરીને અર્થવ્યવસ્થાને ગતિ મળે.
કુતરા અને બિલાડીનું માસ વેચાઈ રહ્યું છે
ગુઈલિન વિસ્તારમાં શનિવારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં કુતરા અને બિલાડીનું માસ વેચાઈ રહ્યું છે. અહીંના લોકોનું માનવું છે કે હવે કોરોના વાયરસનું સંકટ ટળી ગયું છે. હવે ગભરાવવાની જરૂર નથી. હવે કોરોના વાયરસ માત્ર દુનિયાની સમસ્યા છે ચીનની નહીં. ચીનમાં લોકો કોરોના વાયરસને લઈને ચિંતિત નથી.