કામદારો નો પગાર નહીં થાય તો પરિસ્થિત સ્ફોટક બનશે
બારડોલી
સુરત જિલ્લાના પલસાણા તાલુકાની 400 જેટલી મિલોમાં કામ કરતા કારીગરોને હવે પૈસાની અછત વર્તાતા મિલ માલિકો દ્વારા દર અઠવાડિયે રાશન પાણી જેવા ખર્ચ માટે પૈસા આપે તેવી માંગ કારીગરોમાં ઉઠવા પામી છે. આજે કેટલાક કારીગરો પાસે જમવાના પણ પૈસા ન હોવાનું બહાર આવતા મિલમાલિકો પોતાની માનવતા નિભાવે એ જરૂરી છે.
પલસાણા તાલુકાની 400થી પણ વધુ મિલો બંધ થઈ જવા પામી છે. ઘણી મિલોમાં તો કારીગરોને બે મહિનાનો પગાર પણ ના મળ્યો હોવાની બુમ ઉઠવા પામી છે વળી જે દુકાનથી રાશન લેવામાં આવે છે ત્યાં પણ અગાઉના પૈસા બાકી હોવાથી ઉધાર આપવા માટે પણ રાશનના દુકાનદારો હવે ના પાડી રહ્યા છે તેવા સંજોગોમાં મિલ માલિકો તેમજ કડોદરા પલસાણા મિલના એસોસિએશન દ્વારા બહાર આવી અહીં રહેતા દરેક કારીગરોને દર અઠવાડિયે ખર્ચ સ્વરૂપે મિનિમમ 2000 રૂપિયા પણ આપવામાં આવે તેવી માંગ કારીગરો કરી રહ્યા છે. સરકાર અને રાજકારણના લાડકા થવા માટે તેમને દરવર્ષે લાખો કરોડો રૂપિયા ચૂંટણીફંડ આપતા મિલ માલિકો જે કારીગરોના લીધે તેમની મિલો આજે ચાલી રહી છે તેમને આવા સમયે સામાન્ય માણસ પણ સેવાની હૂંફ વધારી રહ્યો છે. ત્યારે મિલ માલિકો પણ પોતાનો સેવાકીય માનવતા ધર્મ નિભાવે એ જરૂરી છે. આજે મિલ તેમજ બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરોની હાલત કફોડી બની છે માટે જિલ્લા કલેક્ટરથી લઇ સ્થાનિક પલસાણા મામલતદાર અને પ્રાંત અધિકારી આ સમસ્યાને સમજે અને એના ઉપર વિચાર કરી કારીગરોને બે ટાઈમ ભોજન મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરે એ ઘણું જરૂરી છે હાલતો આજે ગામના તેમજ કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા રોડ ઉપર ચાલતા મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યાં આવા હજારો મજૂરો પણ આજે જમવા માટે ધસારો કરી રહ્યા છે. ત્યારે દરેક મિલ માલિકો કારીગરોના બાકી નીકળતા પગારના પૈસા સાથે એડવાન્સ પૈસાની પણ વ્યવસ્થા કરે એ જરૂરી છે.