શ્રમિકો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરતાં મ્યુ. કમિશનર

708

હજી તો લોકડાઉનને અઠવાડિયા જ થયું છે ત્યાં તો અનેક લોકોને ભુખમરા જેવી હાલતમાં આવી ચૂક્યા છે.

સુરત

સુરત શહેરમાં બહારથી આવીને વસેલા શ્રમિકોની હાલત એક અઠવાડિયામાં જ કફોડી થવા માંડી છે. તેઓ માટે હાલની પરિસ્થિતમાં બે સમયનું ભોજન મેળવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે ઘરનું ભાડું તો કેવી રીતે ભરી શકે તે સ્થિતિનો વિચાર કરીને સુરતના મ્યુ. કમિશનરે સુરત પાલિકાની હદમાં રહેતા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા ભાડુઆતો પાસેથી બે મહિના સુધી ભાડું નહિં વસુલવા મકાનમાલિકોને અપીલ કરી છે.
ઉપરાંત રવિવારે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો એક યુવાન સેલ્ફ કોરોન્ટાઈન ન રહ્યો અને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની જાણ પાલિકાને ન કરતાં અનેક લોકો તેના થકી કોરોના વાયરસના વાહક બની ચૂક્યા હશે તેવો ભય તંત્ર છે. પાલિકાની તપાસમાં લોકજાગૃતિના પગલે આ કેસ બહાર આવ્યો છે. દુબઈની એક જવેલરી કંપનીમાં નોકરી કરતો આ યુવાન તા. 22મીએ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો અને ત્યારબાદ તેના મિત્ર અને પિતા સાથે બાયરોડ વડોદરા આવ્યો જ્યાં રોકાયા બાદ તા. 26મીએ ઉધના પોતાના ઘરે પરત ફર્યો હતો. ઉધના વિસ્તારમાં અમેરિકાથી પરત ફરેલા એક યુવાનની તપાસ માટે પાલિકાની ટીમ દરરોજ ચકાસણી અર્થે જતી હતી આ દરમિયાન એક જાગૃત યુવકે પાલિકાને જાણ કરી કે તમે માત્ર અમેરિકાથી આવનારની તપાસ કરો છો તો દુબઈથી અહીં આવેલા યુવાનની તપાસ કેમ નથી કરતાં? અને આ રીતે આ કેસ બહાર આવ્યો. કોમ્પયુનિટી ટ્રાન્સમિશનના ત્રીજા તબક્કામાં બહાર આવનારો આ કેસથી તનાવ ઊભો થયો છે. જેની હિસ્ટ્રી ધ્યાનમાં લેતા પાલિકા કમિશનરે તેઓની આરોગ્ય ટીમને વધુ સચેત કરી છે. આજરોજ સોમવારથી આ રીતે અવરજવર કરી ચૂકેલા લોકોના નામ અને ડિટેઈલ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન હાથ ધરાશે જેથી તેમના વિશે પાલિકાને માહિતી મળી શકે. જે માટે પાલિકાના ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરી શકાશે.

એક્યુરેટ રેસ્પિરેટરીના કેસોનો સરવે કરવામાં સુરત પાલિકા રાજ્યમાં મોખરે
એક્યુરેટ રેસ્પિરેટરીના કેસો માટે રાજય સરકાર દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સુરત પાલિકાએ 50,77,332 લોકોનો સરવે કરવાનો હતો જે પૈકી પાલિકા કુલ 49,14,471 એટલે 97 ટકા લોકોનો ડોર ટુ ડોર સરવે કરી ચૂકી છે. જે રાજ્યમાં સૌથી અગ્રેસર આંકડો છે.

Share Now