સુરત
જો કોઈ પણ વાહન ઈમરજન્સી વિના સોસાયટીની બહાર નીકળશે કે સોસાયટીના પ્રિમાઈસીસમાં કોઈ પણ વ્યકિત મોર્નિંગ અને ઈવનિંગ વોક કરતાં નજરે પડશે તો તેની સામે કાયદાકિય પગલાં લેવામાં આવશે. હવે અમે સખત બનીશું. તેવું શહેર પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે (આઈપીએસ) જણાવ્યું હતું.
તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે હું મારા ખાનગી વાહનમાં શહેરની લોકડાઉનની સ્થિતિ જોવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન જોયું કે સોસાયટીમાં લોકો પોતાના બાળકો સાથે, પાળેલાં ડોગ, માતા-પિતા સાથે વોક કરી રહ્યાં છે. આ લોકડાઉનની સ્થિતિ છે અને લોકડાઉનનો મતલબ છે કે ઘરમાં રહો, નહિં કે સોસાયટી વિસ્તારમાં મોર્નિંગ કે ઈવનિંગ વોક કરવા નીકળી પડવાનું. આ બાબત ચલાવી લેવામાં આવશે નહિં. જો આવી રીતે કોઈ પણ નાગરિક શેર કરતા નજરે પડશે તો તેમની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો સમજવાના હતા તે સમજી ગયા છે અને જે હજી નથી સમજતા તેમને હવે કાયદો બતાવવો પડશે.
આ સ્થિતિમાં તમામ ગાર્ડને સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ વ્યકિત ઈમરજન્સી સિવાય વ્હીકલ લઈને સોસાયટીની બહાર જશે તો તેના નંબર નોંધીને અમને જાણ કરવાની રહેશે. પોલીસ હવે પગલાં લેવા તમારાં ઘર સુધી પહોંચશે. પોલીસ કોઈ પણ રૂપમાં અને ક્યાંય પણ આવશે. જે નથી સુધરતા તેમના માટે હવે સખત થવું જ પડશે.