નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના આયોજકો વિરુદ્ધ FIR, 24 શખ્સો કોરોના સંક્રમિત મળ્યા, 700ને ક્વોરન્ટાઈન કરાયા

295

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે મરકઝ બિલ્ડિંગમાંથી કુલ 1,033ને બહાર કઢાયા, કામગીરી હજુ ચાલુ

એજન્સી, નવી દિલ્હી

નિઝામુદ્દીનનમાં આવેલા મરકઝ ખાતે તબલીગી જમાત દ્વારા 18 માર્ચના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ધાર્મિક કાર્યક્રમમાં 3,000 લોકો એકત્ર થયા હોવાનો અંદાજ છે. દેશમાં મહામારીના સમયમાં આવા આયોજન બદલ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમ પછી પણ લગભગ 1,500-1,700 લોકો આ મરકઝમાં હતા. અત્યાર સુધીમાં મરકઝમાંથી 1,033 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના લોકોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. આ મામલે દિલ્હીના એલજીને આયોજકો સામે એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યા છે. આ બિલ્ડિંગમાં દેશના વિવિધ ક્ષેત્રમાંથી આવેલા લોકો પૈકી તેલંગાણાના સાત અને જમ્મુ-કાશ્મીરના એક મળી કુલ આઠ લોકોના કોરોનાના ચેપથી મોત થયા હોવાનું જણાયું છે.

24 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની ચોંકવાનારી વિગતો પણ સામે આવી છે. આ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાની પુષ્ટિ મંત્રીએ કરી હતી. મરકઝમાંથી બહાર કઢાયેલા વ્યક્તિઓ પૈકી 334ને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બાકીના 700 લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હી સરકારના આ અંગે 24 માર્ચના માહિતી મળી હતી કે મરકઝમાં નોંધપાત્ર સંખ્યામાં લોકો એકત્ર થયા છે, પરંતુ તેમને બહાર કાઢવામાં દિલ્હી સરકાર દ્વારા વિલંબ થયો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે સરકાર છેલ્લા ત્રણ દિવસથી કામગીરી કરી રહી હતી. સૂત્રોના મતે 29 માર્ચથી આ કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે 24 માર્ચના આ અંગે બાતમી મળી ગઈ હતી.

દિલ્હી પોલીસની મીઠી નજર હેઠળ લોકો એકત્ર થયા

મરકઝની છ માળની બિલ્ડિંગમાં લોકો એકત્ર થયા હતા તે હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનને અડીને આવેલી છે. જેને પગલે પોલીસની રહેમ નજર હેઠળ લોકો એકત્ર થતા રહ્યા હોવાની વાત પણ સામે આવી છે. પોલીસની મીઠી નજર હેઠળ લોકો મળતા રહ્યા છતા પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકડાઉન છે, દિલ્હીમાં ડિઝાસ્ટર એક્ટ અને કન્ટિજિઅન્સ ડીસિઝ એક્ટ લાગુ છે, જેને પગલે પાંચથી વધુ લોકોએ એક સ્થળે એકત્ર થવા પર રોક છે પરંતુ આટલું મોટું આયોજન થયું તેને પગલે આયોજકોએ કરેલું આયોજન ગંભીર ગુન્હાની શ્રેણીમાં આવે છે. દિલ્હીના એલજીને એક પત્ર લખીને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

Share Now