
બોલિવૂડ સિંગર કનિકા કપૂરનો હાલમાં ચોથી વખત કોરોના વાયરસને કારણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. કનિકા આ વખતે પણ સતત ચોથી વખત કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. કનિકા કપૂર હાલમાં લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ છે. કોવિડ-19 સતત ચોથી વખત પોઝિટીવ હોવાથી કનિકા થોડી ઈમોશનલ થઈ ગઈ છે. પરંતુ તેને આશા છે કે તે આ લડાઇ જીતી લેશે અને જલ્દીથી તેના ઘરે પાછી આવી જશે.
કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારથી તે આઈસોલેશનમાં છે. 20 માર્ચથી અહીં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે. તાજેતરમાં કનિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશન પોસ્ટ કરી હતી. તેણે એક તસવીર પોસ્ટ કરી, જેમાં ઘડિયાળ જોવા મળી રહીછે અને તે ફોટો પર પ્રેરણાત્મક કોટ લખેલ છે. ફોટોમાં લખ્યું છે- ‘જીવન આપણને સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવે છે. તો સમય આપણે જીવનની પ્રશંસા કરવાનું શીખવે છે.
તેણે આ તસવીર સાથે જે કેપ્શન લખ્યું છે તેને વાંચ્યા પછી એવું કહી શકાય કે, તે થોડી ભાવુક થઈ રહી છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે,હું સૂવા જઈ રહી છું. બધાને મારો પ્રેમ મોકલી રહી છું. તમે બધા સુરક્ષિત રહો, મારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવા બદલ તમારો આભાર. પણ હું આઈસીયુમાં નથી, હું ઠીક છું. આશા છે કે મારો આગામી કોરોના ટેસ્ટ નેગેટિગ આવશે. તેમણે વધુમાં લખ્યું છે કે, તે તેમના પરિવાર અને બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે, ટૂંક સમયમાં તેમની પાસે જવાની રાહમાં છે.
આ પોસ્ટ કરવા સાથે તેણે કોમેન્ટ વિભાગ બંધ કર્યો છે. માટે કોઈ પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, 9 માર્ચે લંડનથી પરત આવેલી કનિકા કપૂર 20 માર્ચે કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટીવ આવી હતી. ત્યારે જ કનિકાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને દુનિયાને આ વાત કહી હતી.