ચીનના વુહાનથી પ્રસરેલા જીવલેણ એવા કોરોના વાયરસે ઈરાન, વિકસીત ગણાતા ઈટાલી, સ્પેન અને અમેરિકા જેવા દેશોમાં રીતસરનો કાળો કેર વર્તાવ્યો છે. આ દેશોમાં રીતસરની લાશોના ઢગલા ખડકાયા છે. પરંતુ ચીનને અડીને જ આવેલો અને 130 અબજ લોકોની વસ્તી ધરાવતા વિશાળ ભારતમાં કોરોના વાયરસની અસર એકદમ સામાન્ય કહી શકાય તેવી જ છે. બીજી રીતે કહીએ તો ભારતે કોરોનાને રીતસરની મ્હાત આપી છે અથવા તો એકદમ નિયંત્રણમાં રાખ્યો છે.
ભારત આમ કરી શક્યું તેનું એક કારણ બીસીજીની રસી હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. કોરોના વાઈરસને અટકાવવાના પ્રયત્નના ભાગરૂપે વૈજ્ઞાનિકોને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ભારતમાં છેલ્લા 72 વર્ષથી બીસીજીની રસીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિશ્વ તેને કોરોના સામે લડવામાં મદદરૂપ હોવાનું માની રહ્યું છે.
ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ સાયન્સિસના અભ્યાસ પ્રમાણે અમેરિકા અને ઈટાલી જેવા જે દેશોમાં બીસીજી વેક્સિનેશનની પોલિસી નથી ત્યાં કોરોનાના વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુ પણ વધારે થઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ જાપાન અને બ્રાઝીલ જેવા દેશોમાં ઈટાલી અને અમેરિકાની તુલનામાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે.
બીસીજી એટલે શું?
બીસીજીનું પુરું નામ બેસિલસ કોમેટી ગુઈરેન છે. તે ટીબી અને શ્વાસ સંબંધીત બિમારીને અટકાવવામાં મદદરૂપ છે. ભારતમાં બીસીજી બાળકના જન્મ બાદ તરત જ આપવામાં આવે છે. વિશ્વમાં સૌથી પહેલા તેનો વર્ષ 1920માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલ જેવા દેશોમાં ત્યારથી આ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે.
બીસીજીનું નામ કેમ માટે સામે આવ્યું?
ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ સાયન્સિસનો એક અભ્યાસ થયો હતો. બીસીજી વેક્સિનેશન અને તેની કોરોના પર અસર અંગે જાણકારી મેળવવાનો ઉદ્દેશ હતો. તેમા કોઈ પણ બીસીજી વેક્સિનેશન પોલિસીવાળા ઈટાલી, અમેરિકા, લેબેનોન, નેધર્લેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોની તુલનામાં જાપાન, બ્રાઝીલ, ચીન જેવા દેશોમાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જ્યાં બીસીજી વેક્સિનેશન પોલિસી છે. તેમા ચીનને અપવાદરૂપ માનવામાં આવ્યું. કારણ કે કોરોનીની શરૂઆત આ દેશમાંથી થઈ હતી.
અભ્યાસમાં કઈ બાબત સામે આવી?
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોને ધ્યાને આવ્યું કે, બીસીજી વેક્સિનેશનથી વાઈરસ ઈન્ફેક્શન્સ અને સેસ્પિસ જેવી બિમારીઓ સામે લડવામાં મદદ મળે છે. જેથી હવે એવી આશા જન્મી છે કે, કોરો સાથે જોડાયેલ કેસોમાં બીસીજી વેક્સિનેશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અલગ-અલગ દેશમાંથી મળતા આંકડા અને ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ વિચાર કર્યા બાદ બે પરિણામ સામે આવ્યા.
દુનિયાના જે દેશમાં બીસીજી વેક્સિનેશન થઈ રહ્યું છે ત્યાં કોરોનાને લીધે થતા મૃત્યુનું પ્રમાણ ઓછું છે. જ્યાં બીસીજીની શળરૂઆત જલ્દીથી થઈ ત્યાં કોરોનાથી થતા મૃત્યુ બિલકુલ ઓછા છે. જેમ કે બ્રાઝીલમાં 1920માં અને જાપાનમાં 1947માં બીસીજી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. અહીં કોરોના ફેલાવાનું જોખમ 10 ગણુ ઓછું છે. આ ઉપરાંત ઈરાનમાં 1984માં બીસીજી રસીની શરૂઆત થઈ. તેનાથી એવું માનવામાં આવે છે કે ઈરાનમાં 36 વર્ષ સુધીની ઉંમરના લોકોને બીજીસી રસી લગાવવામાં આવેલી છે. પણ વૃદ્ધોને આ રસી લગાવવામાં આવી નથી. તેને લીધે તેમનામાં કોરોના વાઈરસનું જોખમ વધારે છે.
તેવી જ રીતે જે દેશોમાં બીસીજી વેક્સિનેશન નથી ત્યાં સંક્રમણના કેસ અને મૃત્યુઆંક વધારે છે. આ દેશોમાં અમેરિકા, ઈટાલી, લેબેનોન, બેલ્જિયમ તથા નેધર્લેન્ડનો સમાવેશ થાય છે. જ્યાં કોરોના ફેલાવાનું જોખમ 4 ગણુ છે.
દેશમાં 1948થી અપાય છે બીસીજી રસી
ન્યુયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસમાં ભારતનો કોઈ જ ઉલ્લેખ નથી. પણ આ અભ્યાસને ભારતના સંદર્ભમાં જોવામાં આવે તો એવું માની શકાય છે કે બીસીજીની રસી ભારતના લોકોને પણ કોરોનાથી બચાવવામાં મદદરૂપ સાબીત થઈ શકે છે. ભારતમાં બીસીજીની રસી પ્રથમ વખત વર્ષ 1948માં પાયલોટ પ્રોજેક્ટ પર આપવાની શરૂઆત થઈ હતી. ત્યારપછીના વર્ષ 1949માં તેને દેશભરની શાળામાં શરૂ કરવામાં આવી. વર્ષ 1951થી જ તે મોટાપાયે આપવામાં આવી. વર્ષ 1962માં જ્યારે રાષ્ટ્રીય ટીબી પ્રોગ્રામની શરૂઆત થઈ તો દેશભરમાં બાળકોના જન્મ બાદ તાત્કાલિક આ રસી આપવામાં આવી. એવું માની શકાય છે કે ભારતમાં મોટાભાગની વસ્તી બીસીજીની રસી લગાવવામાં આવે છે. અત્યારે દેશમાં જન્મલેતા 97 ટકા બાળકોને આ રસી આપવામાં આવે છે. જેથી પણ ભારતમાં કોરોનાની અસર ઘણી ઓછી હોવાનું અનુંમાન છે.