અજિત દોવાલ રાતે બે વાગ્યે મરકાઝ ખાલી કરાવવા પહોંચ્યા

298

નવી દિલ્હી , બુધવાર

દિલ્હીની નિઝામુદ્દિન મરકાઝમાં તબલીગ જમાતના અધિવેશનના કારણે સંખ્યાબંધ રાજ્યોમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. દિલ્હી પોલીસ તથા સલામતી એજન્સીઓએ વારંવાર મરકાઝના અગ્રણીઓને આ અધિવેશનમાં આવેલા લોકોને રવાના કરવા ચેતવણી આપી હતી પરંતુ મરકાઝના અગ્રણીઓ ટસના મસ થયા ન હતા. આખરે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવાલે રાતે બે વાગ્યે મરકાઝ પહોંચી તેના વડા મૌલાના સાદ તથા અન્ય અગ્રણીઓને સમજાવવા પડયા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વર્તુળોના જણાવ્યા અનુસાર તા. 28મી માર્ચની રાતે બે વાગ્યે દોવાલ મરકાઝ પહોંચ્યા હતા. તેમણે મૌલાના સાદને જણાવ્યું હતું કે આ અધિવેશનમાં ભાગ લેનારા સંખ્યાબંધ લોકો કોવિદ-19નો ચેપ ધરાવતા હોવાનું જણાયું છે આથી બહેતર છે કે અહીં હજુ પણ જમા થયેલા લોકો પણ ટેસ્ટ કરાવી લે અને કોરોન્ટાઇનમાં રહેવાનું કબૂલી લે.
તબલીગી અધિવેશનમાં ભાગ લેનારા ઇન્ડોનેશિયાના 10 લોકો તેલંગણાના કરીમનગર પહોંચ્યા બાદ કોરોના પોઝિટિવ જણાયા હતા ત્યારથી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહિત સિક્યુરિટી એજન્સીઓ મરકાઝમાં જમા થયેલા અને ત્યાંથી દેશનાવિવિધ રાજ્યોમાં પહોંચેલા લોકો વિશે સચેત થઇ ગયાં હતાં. તમામ રાજ્યોના પોલીસ વડાઓને આ અધિવેશનમાં ભાગ લેનારાઓની ભાળ મેળવવા અને તેમના તત્કાળ ટેસ્ટ કરાવી કોરોન્ટાઇનમાં મોકલવા જણાવી દેવાયું હતું.
પોલીસની ચેતવણી બાદ મરકાઝમાંથી 167 તબલીગી સદસ્યોને હોસ્પિટલમાં ખસેડવા તૈયાર થયા હતા. પરંતુ તે પછી પણ જમાતના અગ્રણીઓ મસ્જિદ સંકુલ ખાલી કરવા તૈયાર ન હતા.
હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ મુજબ આ તબક્કે લગભગ તમામ મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે વ્યક્તિગત સંપર્કો ધરાવતા દોવાલને મેદાનમાં ઉતારાયા હતા. દોવાલે રાતે બે વાગ્યે ત્યાં પહોંચી જમાતના નેતાઓની સમજાવટ આદરી હતી.

Share Now