ઉત્તર પ્રદેશમાં આઝમગઢના ગામમાં લોકડાઉનની કડકાઈ મામલે વિવાદ
એજન્સી, લખનઉ
લોકડાઉનમાં એક તરફ જ્યાં લોકો ઘરેથી બહાર નથી નીકળી રહ્યા ત્યાંજ બીજી તરફ લોકડાઉનની કડકાઈને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક ગામમાં લોકડાઉનને લઈને ગામમાં વિવાદ થયો હતો. જેને કારણે બે પક્ષોની વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં એક યુવકનું ગોળી વાગવાથી મોત થયું છે.
આઝમગઢના બિલરિયાગંજ પોલીસ સ્ટેશનના ખાનપુર ભગતપટ્ટી ગામમાં લોકડાઉનને લઈને ગામની બહાર કેટલાક લોકો વાડ બાંધી રહ્યા હતા. લોકોના મતે વાડ બાંધવાથી લોકો ગામમાં આવી શકશે નહીં અને ગામમાં લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન થશે. ત્યાંજ કેટલાક લોકોએ આનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને કારણે વાકયુદ્ધ થયું હતું. આ વચ્ચે કોઈએ ગોળી ચલાવી હતી જે ગામના જ એક યુવકને વાગી ગઈ હતી.
યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.