– નીતિ આયોગના સભ્યનો દાવો
– ભારતે અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ વહેલા લોકડાઉન કરી દેતા ભારતમાં કોરોનાની અસર ઓછી : વી કે પોલ
– સામાન્ય દિવસોમાં ભારતમાં રોજ 1 કરોડ લોકો ટ્રેનમાં અને ચારથી પાંચ કરોડ લોકો બસમાં મુસાફરી કરે છે
નવી દિલ્હી,
ભારતમાં કોરોના વાઇરસના પ્રકોપની અસર ખૂબ જ નાની અને નિયંત્રણમાં રાખી શકાય તેવી હશે કારણકે ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ વહેલા લોકડાઉન અને પ્રવાસ પણ નિયંત્રણ અમલમાં લાવી દેવામાં આવ્યા છે તેમ નીતિ આયોગના સભ્યએ એક નિવેદનમાં જણાવ્યું છે.
નીતિ આયોગના સભ્ય વી કે પોલે વધુમાં જણાવ્યું છે કે ભારત કોરોના સામે લડવા માટે સારી રીતે તૈયાર છે. જો કે તેમણે જણાવ્યું છે કે સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે અનેક કારણો પર નિર્ભર રહેશે.
પોલે વધુમાં જણાવ્યું હતું કે જો કમનસીબે દેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થશે તો દેશના કોઇ પણ ભાગની વસ્તી માટે તે ખૂબ જ વિનાશકારી સાબિત થશે. તેમણે જણાવ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાને અટકાવવા ઉપાયો ઘણા વહેલા શરૂ કરી દેવામાં આવ્યા છે.
પોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતે લોકડાઉનનો નિર્ણય ખૂબ જ વહેલો લઇ લીધો છે. જે ભારતનો પ્લસ પોઇન્ટ છે. જેની સરખામણીમાં અન્ય દેશો આ તક ચૂકી ગયા હતાં. જેના કારણે ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત હાલમાં ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. ઇટાલી, સ્પેન અને ઇરાન જેવા દેશોમાં હજારો લોકોએ આ વાઇરસને કારણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
પોલે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં ભારતમાં રોજ ૧ કરોડ લોકો ટ્રેનમાં અને ચારથી પાંચ કરોડ લોકો બસમાં મુસાફરી કરે છે. લોકડાઉનને કારણે દેશના કરોડો લોકોની આ યાત્રા બંધ થઇ ગઇ છે તેથી કોરોના વાઇરસ પ્રસરવાની શક્યતા ઘટી ગઇ છે.