રશિયાએ ચિકિત્સક ઉપકરણો ભરેલું વિમાન અમેરિકા મોકલ્યું
એજન્સી, મોસ્કો
કોરોના વાયરસની સામે બાથ ભીડવા માટે અમેરિકાની મદદ માટે રશિયાનું એક સૈન્ય વિમાન ચિકિત્સા ઉપકરણો લઈને રવાના થઈ ગયું છે.રશિયન રક્ષા મંત્રાલયે બુધવારના રોજ આ અંગે જાણકારી આપી છે.રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે વિમાન ‘ધી એંતોનોવ-124’ ચિકિત્સા માસ્ક અને અન્ય ચિકિત્સા ઉપકરણો લઈને અમેરિકા જવા માટે રવાના થઈ ગયું છે. આ નિવેદનમાં બાદ અત્યાર સુધીમાં અન્ય કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી.
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં માલવાહક વિમાન બુધવારે સવારે મોસ્કોમાં આવેલા આર્મી બેઝ પરથી સામાન ભરીને અમેરિકાની ઉડાન ભરવા માટે તૈયાર દેખાઈ રહ્યું છે. ત્યારબાદ રક્ષા મંત્રાલયે આ અંગે અન્ય કોઈ સૂચના આપવાની વાત પર નનૈયો ભણ્યો છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સોમવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીત બાદ આ મદદ મોકલી આપવામાં આવી છે.અમેરિકામાં કોરોના વાયરસના અત્યારસુધીમાં 1,88,663 કેસ નોંધાયા છે અને તેમાંથી 4000 કરતા વધારે લોકોના મોત નિપજ્યા છે.