– નાણાંકીય વર્ષ દરમિયાન ઇન્ડેક્સમાં દાયકાનો નબળો દેખાવ : નિફ્ટીમાં 28.8, સેન્સેક્સમાં 26.5 ટકાનું ગાબડું
કોરોના વાઇરસના પગલે ઉદ્ભવેલ પ્રતિકૂળતાના પગલે આર્થિક ગતિવિધિ રૂંધાવા સહિતની અન્ય પ્રતિકૂળતાના પગલે 2020ના નાણાંકીય વર્ષમાં શેરબજારમાં કડાકો બોલી જતા રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 37.6 લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું.
વિશ્વભરમાં કોરોના વાઇરસ પ્રસરવાની સાથોસાથ આર્થિક ગતિવિધિઓ ઠપ થવા સાથે વૈશ્વિક મંદી ઉદ્ભવતા વિશ્વભરના બજારોમાં કડાકા નોંધાતા ભારતીય શેરબજાર પર પણ તેની ગંભીર અસર થવા પામી હતી. આ પ્રતિકૂળ અસર છેલ્લા દોઢ બે માસ દરમિયાન મોટા પાયે થઈ હતી.
આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ ભારે વેચવાલીના દબાણના પગલે 2020ના નાણાંકીય વર્ષમાં ભારતીય શેરબજારોએ દાયકાનો સૌથી નબળો દેખાવ કર્યો હતો. વેચવાલીના ભારે દબાણે 2020ના નાણાં વર્ષમાં નિફ્ટીમાં 28.8 અને સેન્સેક્સમાં 26.5 ટકાનું ગાબડું નોંધાયું હતું.આ અગાઉ 2009માં વૈશ્વિક નાણાંકીય કટોકટી વેળા સેન્સેક્સમાં 37.9 ટકા અને નિફ્ટીમાં 36.2 ટકાનું ગાબડું નોંધાયું બહતું. આમ દાયકા પછી શેરબજારે નબળો દેખાવ કર્યો હતો.
2020ના નાણાંકીય વર્ષમાં માર્ચ માસના અંતે બીએસઇનું માર્કેટ કેપ (રોકાણકારોની સંપત્તિ) રૂા. 113.48,756 કરોડ રહ્યું હતું જે અગાઉના 2019ના નાણાં વર્ષના અંતે 1,51,08,711 કરોડ હતું. આમ તેમાં રૂા. 37,59,954 કરોડનો ઘટાડો નોંધાયો છે.
શેરબજારમાં ઉદ્ભવેલ પ્રતિકૂળ માહોલના પગલે બજારમાં થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. વિતેલા માર્ચ માસમાં એનએસઇ ખાતે ટ્રેડેડ કોન્ટ્રાક્ટની સંખ્યા 39.98 કરોડ રહી હતી. જે ફેબુ્રઆરીમાં 49.91 કરોડ અને જાન્યુઆરીમાં 54.41 કરોડ હતી. ઇન્ડેક્સ ઓપ્શનની સંખ્યા પણ ઘટીને 34.9 કરોડ થઈ હતી. જ્યારે ડેરીવેટીવ્ઝ ટર્નઓવર ઘટીને રૂા. 240.73 લાખ કરોડ ઉતરી આવ્યું હતું.