કોરોનાએ દેશમાં ૬૮નો ભોગ લીધો : પોઝીટીવ કેસ ૨૦૫૦ને પાર

507

પંજાબ – હરિયાણા – ગુજરાત અને રાજસ્થાનમાં એક-એકના મોત : છેલ્લા ૧૧ દિવસમાં ૧૫૦૦ કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૨ : કોરોનાના કારણે દેશનો મૃત્યુઆંક કુદકે ને ભ્રુસકે વધી રહ્યો છે.ગઇકાલે ૬ના મોત થયા બાદ આજે પણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણામાં એક-એક દર્દીનું મોત થયું છે.દેશમાં આજે કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ૨૦૦૦ને પાર થયો છે તેમજ મૃત્યુઆંક ૬૮ને આંબી ગયો છે.આ સાથે જ આંધ્રપ્રદેશમાં ૨૧, કર્ણાટકમાં ૧૧, રાજસ્થાનમાં ૯, મહારાષ્ટ્રમાં ૩, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં ૧-૧ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ગુજરાતના વડોદરામાં પણ આજે ૫૨ વર્ષીય વ્યકિતનું મોત નીપજ્યું હતું.તેમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી.તેઓ ૧૯ માર્ચે શ્રીલંકાથી ભારત પરત આવ્યા હતા.હરિયાણાના અંબાલાથી બીજો એક કેસ સામે આવ્યો છે.અહીંના ૬૭ વર્ષીય વૃધ્ધે આજે ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.છેલ્લા ત્રણ દિવસથી તેઓ કોરોનાના ચેપથી પીડાઇ રહ્યા હતા.દેશમાં કોરોનાના ચેપને કારણે કુલ ૬૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે સવારે વધુ એક વ્યકિતનું મોત નીપજ્યું હતું.અહીં ૬૫ વર્ષીની મહિલાએ જીવ ગુમાવ્યો છે.આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક વધીને સાત થઇ ગયો છે.રાજસ્થાનના અલવરમાં રહેતા એક ૮૫ વર્ષીય વૃધ્ધનું પણ મોત નિપજ્યું હતું.કોરોના પોઝીટીવ મળ્યા બાદ તેમને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગઇકાલે દેશભરમાં કુલ ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો.છેલ્લા બે દિવસમાં જ કોરોનાના ચેપના કારણે કુલ ૧૮ લોકોના મોત થયા છે.સમગ્ર દેશમાં કડક લોકડાઉન અમલી હોવા છતાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

Share Now