CM હો તો ઐસા: ઉદ્ધવ ઠાકરે તેમનો રસાલો દૂર રાખીને જાતે ડ્રાઇવ કરે છે કાર

342

કોરોના વાઇરસના રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાની ભલામણ લોકોને કરતાં પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જાતે એનો અમલ કરે છે.

કોરોના વાઇરસના રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાની ભલામણ લોકોને કરતાં પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જાતે એનો અમલ કરે છે. દરેક વખતે અંગરક્ષકો, સહાયકો અને અધિકારીઓનો રસાલો સાથે રાખવાનું ઉદ્ધવ ઠાકરેને ફાવતું નથી. પહેલેથી પોતાની કાર જાતે ડ્રાઇવ કરવાનો મહાવરો ઉદ્ધવે મુખ્ય પ્રધાન બન્યા પછી પણ ક્યારેક જ ચાલુ રાખ્યો હતો. ખાસ કરીને કોરોના લૉકડાઉનના દિવસોમાં ઉદ્ધવ એકલા કાર ડ્રાઇવ કરીને બહાર નીકળી જાય છે. તેમની સાથે જો હોય તો તેમનો પુત્ર અને રાજ્યના પર્યટન તથા પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે હોય છે. ઉદ્ધવ ડ્રાઇવ કરે ત્યારે આદિત્ય આગળની સીટ પર નહીં, પાછળની સીટ પર બેસે છે. આ રીતે મુખ્ય પ્રધાન પોતે સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે ઉદાહરણરૂપ બને છે.

વૈશ્વિક સ્તરે રોગચાળાની ગંભીર સ્થિતિને શાંત, સહજ, સ્વાભાવિક રીતે સક્રિયતાથી જાળવી લેવાની ઉદ્ધવ ઠાકરેની ક્ષમતાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. અગાઉ સંસદીય કે વહીવટી કામગીરીનો સહેજ પણ અનુભવ ન ધરાવતા ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડીની સરકારનાં સૂત્રો સંભાળ્યા પછી ચાર મહિનામાં જે રીતે કામકાજ સંભાળી લીધું છે એ જોઈને સૌને આશ્ચર્ય થાય છે.
શિવસેનાના વરિષ્ઠ હોદ્દેદારે જણાવ્યું હતું કે ‘કોરોના રોગચાળાને કારણે લોકોને ભયગ્રસ્ત નહીં થવા માટે સમજાવવા, ખાદ્ય પદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓની તંગી ઊભી ન થાય અને પુરવઠો જળવાઈ રહે એની તકેદારી રાખવાની અનોખી સૂઝ ઉદ્ધવ ઠાકરેએ દાખવી છે. વાવાઝોડા વચ્ચે પણ રાજ્યની નૌકા અડચણ વગર એકધારી ગતિએ આગળ વધે એ માટે અદ્ભુત સૂઝ દાખવીને ઉદ્ધવે રાજ્યની જનતાના હૈયામાં સ્થાન મેળવ્યું છે. અગાઉ લોકોને રાજકીય ઝંઝાવાતને પહોંચી વળવાની અને વહીવટી સૂઝ માટે આશંકા હતી, એ લોકો હવે માની ગયા છે કે ઉદ્ધવ ઠાકરે પણ સક્ષમ રાજકારણી, શાસક અને પ્રશાસક છે.’

Share Now