ભારતમાં કોરોના ફેલાવનાર તબલીગી જમાત 150 દેશોમાં સક્રિય

282

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આખી દુનિયા કહી રહી છે કે અત્યારે કોરોનાને અટકાવવા માટેનો એક જ ઉપાય છે અને તે છે લોકડાઉન. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગથી કોરોના વાયરસને અટકાવી શકાય છે તે દુનિયાનાં કેટલાક દેશોનાં શહેરોનાં અનુભવથી જાણી શકાય છે, ત્યારે ચીન, સ્પેન, ઇટાલી, અમેરિકા, ઇઝરાયલની માફક ભારતમાં પણ 21 દિવસનું લોકડાઉન છે. આ દરમિયાન લોકોને ઘરમાં રહેવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

150થી વધુ દેશોમાં તબલીગી જમાત ઈસ્લામનો પ્રચાર-પ્રસાર કરે છે

જો કે આ દરમિયાન દિલ્હીનાં નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનાં જલસાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં સામેલ થયેલા 100થી વધારે લોકો કોરોના પોઝિટિવ મળી આવતા હાહાકાર થયો છે. દિલ્હીનાં નિઝામુદ્દીનમાં આવેલા તબલીગી જમાતનાં મરકઝથી દુનિયાના 150થી વધુ દેશોમાં જમાતો ઈસ્લામનાં પ્રચાર પ્રસાર માટે જાય છે. એટલું જ નહીં દુનિયાના તમામ દેશોમાથી તબલીગી જમાતનાં લોકો ભારતમાં પણ આવે છે.

ઈરાનમાં પણ તબલીગી જમાત પર પ્રતિબંધ

સાઉદી અરબ કે જ્યાંથી ઈસ્લામની શરૂઆત થઈ ત્યાં પણ તબલીગી જમાત સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ ઉપરાંત ઈરાનમાં પણ તેને ઈસ્લામનાં પ્રચાર પ્રસારની મંજૂરી નથી. મૌલાના ઈલિયાસ કાંધલવીએ 1927માં તબલીગી જમાતની રચના કરી હતી. તે દેવબંદી વિચારધારાથી પ્રેરિત અને મુસલમાનોમાં હનફી સંપ્રદાયને માનનારા છે. ઈલિયાસ કાંધલવી પહેલી જમાતને દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના મેવાતનાં મુસ્લિમ સમુદાયનાં લોકોને ઈસ્લામનું ધાર્મિક શિક્ષણ આપવા માટે લઈ ગયા હતાં. ત્યારબાદથી તબલીગી જમાતનું કામ દુનિયાનાં તમામ દેશોમાં વિસ્તરી રહ્યું છે.

ધાર્મિક અને વૈચારિક મતભેદ

જો કે સાઉદી અરબ અને ઈરાનમાં તબલીગી જમાત પોતાની જગ્યા જમાવી શક્યું નથી. સાઉદી અરબમાં સલફી મસલક (સંપ્રદાય)ને માનનારા લોકો વધુ છે. ત્યાંની મસ્જિદોના ઈમામ પણ મોટાભાગે સલફી મસલકનાં છે. તબલીગી જમાતનાં લોકો હનફી મસલકનાં છે. આવામાં ઈસ્લામની અંદર ધાર્મિક અને વૈચારિક મતભેદનાં કારણે એક પ્રકારે સાઉદી અરબમાં તબલીગી જમાત પર પ્રતિબંધ છે કારણ કે સલફી મસલકમાં ઈસ્લામનાં પ્રચાર-પ્રસારની આ પ્રકારની કોઈ પદ્ધતિ નથી. આ ઉપરાંત સાઉદી અરબમાં મસ્જિદોની તમામ જવાબદારીઓ સરકાર પાસે છે. ત્યાં મસ્જિદોમાં કોઈને રોકાવાની મંજૂરી નથી કે કોઈ પ્રકારની ધાર્મિક ભીડ ભેગી કરવાની પરવાનગી નથી.

કોઈ અમને ઈસ્લામ વિશે શું જણાવશે?

તો બીજી તરફ તબલીગી જમાતનાં લોકો મસ્જિદોમાં જઈને રોકાય છે અને લોકોની વચ્ચે પ્રચાર-પ્રસાર કરે છે. જેના કારણે સાઉદી અરબની સરકારે તબલીગી જમાતને પોતાના દેશમાં બેન કરી રાખ્યું છે. આ ઉપરાંત સાઉદી અરબનો એક તર્ક એ પણ છે કે અહીંથી જ ઈસ્લામ સમગ્ર દુનિયામાં ફેલાયો છે આવામાં કોઈ અમને ઈસ્લામ વિશે શું જણાવશે? સાઉદી અરબે તબલીગી જમાત ઉપરાંત પણ બીજા મુસ્લિમ સમુયદાયની ગતિવિધિઓને બેન કરી રાખી છે.

સાઉદી અરબે તબલીગી જમાતને પ્રતિબંધિત કરવા માટે પત્ર જાહેર કર્યો હતો

સાર્વજનિક રીતે અહીં ના તો કોઈને ધાર્મિક કાર્ય કરવાની પરવાનગી છે અને ના કોઈ પણ પ્રકારનાં ફંડ એકત્રિત કરવાની. તાજેતરમાં જ સાઉદી અરબે તબલીગી જમાતને પ્રતિબંધિત કરવા માટે પત્ર જાહેર કર્યો હતો. સાઉદી અરબની માફક ઈરાનમાં પણ તબલીગી જમાતની એન્ટ્રી નથી. સાઉદીમાં જ્યાં સલફી સંપ્રદાયની વસ્તી છે તો ઈરાનમાં શિયા સંપ્રદાયની બહુમતી છે અને સત્તા પર તેમનો કબજો છે. તબલીગી જમાત અને શિયા સંપ્રદાય વચ્ચે પણ ઘણો વૈચારિક મતભેદ છે.

Share Now