
। નવી દિલ્હી ।
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને પાંચમી એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ૯ મિનિટ સુધી પોતાના ઘરોની લાઇટ બંધ કરી બાલ્કની અને છત પર દીવા પ્રગટાવી, ટોર્ચ સ્વિચ ઓન કરી અથવા તો મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ દ્વારા પ્રકાશ રેલાવી કોરોના વાઇરસના અંધકારને ભગાવવાનું આહ્વાન કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પાંચમી એપ્રિલે આપણે સૌએ એકઠાં મળીને કોરોના વાઇરસના કારણે સર્જાયેલા અંધકારને પડકાર આપવાનો છે. કોરોનાના અંધકારને પ્રકાશની શક્તિનો પરિચય કરાવવાનો છે. આપણે ૧૩૦ કરોડની જનતાની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. પરંતુ પીએમ મોદીના આહ્વાનના પગલે દેશની વીજળી કંપનીઓમાં ગ્રિડ નિષ્ફળ જવાનો ફફડાટ વ્યાપી ગયો છે.
દેશભરના વીજળી બોર્ડને ચિંતા પેઠી છે કે, દેશમાં અચાનક લાઇટો બંધ થતાં વીજળીની ખપત ન્યૂનતમ સ્તરે પહોંચી જશે, જેના કારણે ગ્રિડ પર વધારાની વીજળીનું મોટું દબાણ સર્જાશે. પાવરગ્રિડને કાર્યરત રાખવા માટે વીજળીની ખપત નિશ્ચિત ફ્રિક્વન્સીમાં રહેવી જોઈએ. આ ફ્રિક્વન્સી ૪૯.૯૫થી ૫૦.૦૫ હર્ટ્ઝ હોય છે. વીજળીની ખપતમાં અચાનક બદલાવ થતાં ફ્રિક્વન્સી બદલાય છે અને તેના કારણે ગ્રિડ ફેલ થઈ શકે છે. જો ગ્રિડ ફેલ થાય તો સમગ્ર દેશમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ શકે છે.
આ ભયના પગલે પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ સહિતના રાજ્યના વીજળી બોર્ડે જોખમો ચિહિનત કરી કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારી શરૂ કરી દીધી છે. બ્લેકઆઉટ ન સર્જાય તે માટે રાજ્યોના વીજળી બોર્ડોએ ગાઇડલાઇન્સ પણ જારી કરી છે. રાજ્યોના વીજળી બોર્ડોએ તેમના કર્મચારીઓને રવિવારે રાત્રે ૯ કલાકે ખડે પગે રહેવાની સૂચનાઓ જારી કરી છે જેથી જો કોઈ સમસ્યા સર્જાય તો તેનો તાત્કાલિક ઉપાય કરી શકાય. ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં રાતના ૮થી ૯ સ્ટેગર્ડ લોડ શેડિંગના આદેશ જારી કરાયાં છે. મહારાષ્ટ્રના ઊર્જા મંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરતાં લોકોને એકસાથે તમામ લાઇટ બંધ નહીં કરવાની સલાહ આપી છે.
બ્લેકઆઉટની ચિંતાઓ મધ્યે સેન્ટ્રલ પાવર રેગ્યુલેટર પોકોસોએ રાજ્યોના વીજળી બોર્ડોને ગેસ અનેહાઇડ્રોપાવરને બેક અપમાં રાખવા આદેશ જારી કર્યાં છે.
જરૂરી ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવા મોદીનો આદેશ
વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા રચાયેલી વિવિધ સમિતિઓના અધિકારીઓ સાથે બેઠક યોજી દેશમાં જરૂરી મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો હતો.
કોમ્પ્યૂટર, પંખા, એસી બંધ ના કરો : ઊર્જા મંત્રાલય
ઊર્જા મંત્રાલયે શનિવારે જનતાની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરતાં જણાવ્યું છે કે, રવિવારે પીએમ મોદીની અપીલ મુજબ ઘરની લાઇટો બંધ થવાના કારણે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન અને ગ્રિડ નિષ્ફળ જવાની અને તેના કારણે ઘરના વીજ ઉપકરણોને નુકસાન થવાની ચિંતા કરવાની જરૂર નથી. ભારતની વીજળી ગ્રિડ સક્ષમ અને સ્થિર છે. માગમાં થતા વધારા અને ઘટાડાને પહોંચી વળવાના નિયમો અને પૂરતી વ્યવસ્થા અમલમાં છે. પીએમ મોદીએ ફક્ત ઘરનીલાઇટો બંધ કરવાની અપીલ કરી છે. ઘરમાં રહેલા પંખા, ફ્રિજ, એસી, કોમ્પ્યૂટર જેવા ઉપકરણો કે સડકો પરની સ્ટ્રીટ લાઇટ બંધ કરવા જણાવાયું નથી. હોસ્પિટલો, અન્ય આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી જાહેર સુવિધાઓ, મ્યુનિસિપલ સેવાઓ, કચેરીઓ, પોલીસસ્ટેશન, ફેક્ટરીઓમાં લાઇટો ચાલુ જ રહેવાની છે. પીએમ મોદીએ ફક્ત ઘરોમાં લાઇટો બંધ કરવાની અપીલ કરી છે.
૩૭૦ ગીગાવોટ ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા
૧૫૦ ગીગાવોટ ભારતમાં રોજની વીજ માગ
૧૫ હજાર મેગાવોટની માગ અચાનક ઘટી જશે
ભારતમાં વીજળી માગનીલોડ પેટર્ન
૩૨ ટકા ડોમેસ્ટિકલોડ
૪૦ ટકા ઇન્ડસ્ટ્રિયલલોડ
૨૦ ટકા એગ્રિકલ્ચરલોડ