નવી દિલ્હી: કોરોના વાયરસ સતત દુનિયા માટે મોટો પડકાર બની રહ્યો છે. આ અદ્રશ્ય દુશ્મનને અત્યાર સુધી દુનિયાના 13 લાખથી વધુ લોકોને પોતાના ભરડામાં લીધા છે. જ્યારે 74441 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. સુપર પાવર અમેરિકામાં તો પરિસ્થિતિ ભયાનક અને ડરામણી છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1150 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ બાજુ ભારતમાં લોકડાઉન હોવા છતાં સ્થિતિ સતત વણસી રહી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 4421 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 704 નવા કેસ આવ્યાં છે. અત્યાર સુધી 114 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ આ સાથે અત્યાર સુધીમાં 319 દર્દીઓ ઠીક થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના સામે આવ્યાં છે જ્યાં સંક્રમિતોની સંખ્યા વધીને 868 થઈ છે. જ્યારે 52 લોકોના જીવ ગયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.
કોરોના સંકટ પર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. સાંસદોના પગારમાં 30 ટકાનો કાપ, 2 વર્ષ માટે સાંસદ નિધિ સ્થગિત કરાઈ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને રાજ્યપાલ પણ 30 ટકા વેતન ઓછું લેશે.
યુપીમાં 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન ચાલુ રહી શકે છે. આ બાજુ તેલંગણાના સીએમ કેસીઆરએ પીએમ મોદીને અપીલ કરી છે કે લોકડાઉન વધારો નહીં તો કોરોનાને હરાવવો મુશ્કેલ બનશે.
દુનિયાભરમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 74000થી વધુ લોકોના જીવ ગયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરાયા છે.