એપ્રિલ મહિનાના પ્રથમ છ દિવસમાં પશ્ચિમ રેલવેને 85 કરોડ રૂા.ની ખોટ

774

દેશમાં ચાલી રહેલા લોકડાઉનની અસર પશ્ચિમ રેલવે પર વર્તાઇ રહી છે. ટ્રેનો બંધ રહેવાના કારણે પશ્ચિમ રેલવેને અત્યાર સુધીમાં 292.85 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. એપ્રિલ મહિનાના પ્રથમ છ દિવસમાં જ ખોટનો આંકડો 85 કરોડ રૂપિયાને આંબી ગયો છે.

કોરોના વાયરસના કારણે લેવાયેલાં લોકડાઉનની અસર હવે ધીમે ધીમે અર્થતંત્ર પર જોવા મળી રહી છે. 22 મી માર્ચના રોજ જનતા કરફયુ બાદ પશ્ચિમ રેલવેએ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. ટ્રેનો બંધ રહેવાના કારણે પશ્ચિમ રેલવેની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં પશ્ચિમ રેલવેને 207.11 કરોડ રૂપિયાની ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. 14મી એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન હોવાથી ત્યાં સુધી ટ્રેનો બંધ રહેશે. એપ્રિલ મહિનાના પ્રથમ છ દિવસમાં જ 85.74 કરોડ રૂપિયાની ખોટ થઇ ચુકી છે અને 14મી એપ્રિલ સુધીમાં આ આંકડો વધવાની સંભાવના છે.

માર્ચ અને એપ્રિલ મહિનો મળી પશ્ચિમ રેલવેની કુલ ખોટ 292.85 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે. પશ્ચિમ રેલવેના પીઆરઓ ખેમરાજ મીણાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 9.41 લાખ મુસાફરોએ તેમની ટીકીટ કેન્સલ કરાવી છે જેની સામે 63 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ રીફંડ પેટે પરત આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 9.41 લાખ પાસ કેન્સલ થયા છે અને જેના રીફંડની રકમ 63.98 કરોડ રૂપિયા થવા જાય છે.

Share Now