સોનિયાને મીડિયા સાથે વાંકુ પડ્યું! : કેન્દ્રને ચેનલ, અખબારોમાં બે વર્ષ જાહેરાત ન આપવા પત્ર લખ્યો

290

સોનિયાની સલાહને મીડિયાનું મનોબળ નીચુ કરવા સમાન ગણાવતું ન્યુઝ બ્રોડકાસ્ટર એસોસીએશન

લોકશાહીમાં ચોથી જાગીર ગણાતા મીડિયાને કરોડો લોકો સુધી સરળતાથી પહોચવાનું મોટુ માધ્યમ માનવામાં આવે છે. જેથી રાજકીય નેતાઓ અને ખાસ કરીને સત્તાધારીઓ હંમેશા મીડિયા સાથે સુમેળ ભર્યા સંબંધો રાખે છે.સતાધારીઓને મીડિયા સાથે વાંધો પડે જે માની શકાય પરંતુ વિપક્ષોને મીડિયા સાથે ખૂબ ઓછો વાંધો પડતો હોય છે.આવો વાંધો તાજેતરમાં દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દર્શાવતા રાજકીય પંડીતો પણ આશ્ર્ચર્યમાં મૂકાય જવા પામ્યા છે.કોંગ્રેસ પક્ષના નેતાઓમાં યોગ્ય રાજકીય દૂરંદેશીના અભાવે દેશભર પાર્ટીની સતત પીછેહઠ થઈ રહી છે.જેથી તેની દાઝ સોનિયા ગાંધીએ મીડીયા પર ઉતારીને તેમણે ‘દુ:ખે છે પેટ અને કૂટે છે માથુ’ કહેવતને સાર્થક કરી છે.

દેશભરમાં કોરોના વાયરસ ઝડપભેર ફેલાઈ રહ્યો છે.ત્યારે તે સામે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી રહેલી કેન્દ્ર સરકારને યોગ્ય સુચનો આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ રાજકીય પક્ષોના વડાઓનો સંપર્ક કર્યો છે.મોદીના આ પહેલના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને કેન્દ્ર સરકારને વિવિધ સુચનો આપીને ખર્ચાઓ પર કાપ મૂકીને આ નાણાં કોરોના સામેના જંગમાં ઉપયોગમાં લેવા જણાવ્યું છે જેમાં વિવાદાસ્પદ રીતે સોનિયાએ સરકાર અને જાહેર ક્ષેત્રનાં એકમો દ્વારા પ્રિન્ટ મીડીયા, ચેનલો અને ઓનલાઈન અપાતી જાહેરાતો બે વર્ષ માટે બંધ કરવાનું સુચન આપ્યું છે. આવી જાહેરાતો બંધ કરીને બે વર્ષમાં ૨૫૦૦ કરોડ રૂા.બચાવવા સોનિયાએ તેના પત્રમાં હિમાયત કરી છે.

પરંતુ આવી ભલામણ કરતી વખતે સોનિયા ગાંધી ભૂલી ગયા છે કે મીડીયા લોકોમાં જનજાગૃતિ લાવવાનું મોટુ માધ્યમ છે.હાલમાં દેશમાં કોરોના વાયરસ અંગે જાગૃતતા આવી છે.તે સતત મીડીયાના અહેવાલો જ જવાબદાર માનવામાં આવે છે.સરકારી તંત્ર પણ સુજજતાથી કોરોના સામે લોકોને સારવાર આપવા સક્રિય બન્યું છે.તે પણ મીડીયાના અહેવાલો કારણે જ શકય બન્યું છે.સામાન્ય રીતે મીડીયાને સરકારી જાહેરાત વગર ચલાવવું

અશકય માનવામાં આવે છે.વિશ્ર્વના તમામ લોકશાહી દેશોમાં મીડીયાને વિશેષ મદદ કરવામાં આવે છે.કોરોના વાયરસ ફેલાવવાના સતત ભય વચ્ચે મીડીયા કર્મીઓ અન્ય તંત્રોની સાથે ખડેપગે કાર્યરત છે.ત્યારે સોનિયા ગાંધીનું આ સૂચન મીડીયાઓને હતાશ કરનારૂ ગણી શકાય.

સોનિયાની આ સલાહની ન્યુઝ બ્રોડકાસ્ટર એસો.ને પણ આકરી ટીકા કરી છે.એસોસીએશનના પ્રમુખ રજત શર્માએ એક નિવેદનમાં જણાવ્યું છેકે સોનિયાની આ સલાહ મીડીયા કર્મીઓનું મનોબળ નીચુ કરવા સમાન છે.કોરોના વાયરસના સતત ભય વચ્ચે મીડીયા કર્મીઓ પોતાના જીવનની ચિંતા કર્યા વગર આ મહામારીના સમાચારોને પ્રસારીત કરીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દેખાડી રહ્યા છે.એક તરફ અર્થતંત્રમાં મંદીનાં કારણે મીડીયાને મળતી વિવિધ કંપનીઓની મળતી જાહેરાતો ઓછી થઈ જવા પામી છે.ત્યારે સરકારી જાહેરાતો બંધ થઈ જવાથી મીડીયાને ચલાવવું તેના સંચાલકો માટે અશકય બની જશે શર્માએ સોનિયાને તેની આવી ખોટી સલાહ પરત ખેંચવા જણાવ્યું છે.

Share Now