ગુજરાતમાં એકજ દિવસમાં વધુ ૩૩ કોરોના પોઝિટિવ કેસ : ચારના મોત

298

રાજ્યમાં ૧૭ જિલ્લાઓમાં કોરોનાનો વ્યાપ વધ્યો : અમદાવાદમાં સૌથી વધુ ૮૩ કેસ :રાજકોટમાં એક સપ્તાહ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ ૧૧ પોઝિટિવ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કોવિડ ૧૯ નો કહેર વરસ્યો હોય તેમ એક જ દિવસમાં વધુ ૩૩ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં ત્રણ દિવસ પહેલાં નોંધાયેલા પ્રથમ પોઝિટિવ કેસ ૧૪ માસ ના બાળકનું મોત નિપજ્યું હતું. સાથે રાજ્યમાં માત્ર ૨૪ કલાકમાં વધુ ૪ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૧૬ સુધી પહોંચ્યો છે. અને વધુ ૩૩ કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમાં કુલ ૧૭૫ પોઝિટિવએ આંકડો પહોંચ્યો છે. સૌથી વધુ અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને કુલ ૩૩ જિલ્લાઓમાંથી ૧૭ જિલ્લાઓમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. રાજકોટમાં એક સપ્તાહ બાદ કોરોના પોઝિટિવ આવતા કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.કોરોના કોવિડ ૧૯ ની સામે લડવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન ની જાહેરાત બાદ ૧૬માં દિવસે ગુજરાતમાં અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ ૩૩ પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ૧૭૯ સુધી પહોંચ્યો છે. અને ગઈ કાલે જામનગરના ૧૪ માસના બાળક, પાટણના એક અને સુરતમાં બે દર્દીઓના મોત સાથે એક જ દિવસમાં કોરોના ૪ વ્યક્તિઓને ભરખી જતા મૃત્યુઆંક ૧૬ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી નાની વય નો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો જેનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું.

ગુજરાતમાં કુલ ૩૩ માંથી ૧૭ જિલ્લાઓમાં કોરોના કોવિડ ૧૯ નો વ્યાપ વધ્યો છે. લોકલ ટ્રાન્સમિશન દ્વારા વધતા જતા કેસો આરોગ્યતંત્ર માટે માથાનો દુખાવો બન્યો છે. ગઈ કાલે આણંદ, સાબરકાંઠા જેવા શાંત ગ્રામીણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકલ ટ્રાન્સમિશન ની સાથે કોરોના વાયરસ સાઇલેન્ટ કેરિયર એટલે કે જેનામાં કોરોનાના કોઈ લક્ષણો ના હોય તેમને પણ ચેપ લાગતા વાયરસ માત્ર એક સપ્તાહમાં ૧૦ માંથી ૧૭ જિલ્લાઓમાં પ્રસરી ગયો છે.રાજકોટમાં પણ છેલ્લા એક સપ્તાહ બાદ વધુ એક કોરોનાં પોઝિટિવ કેસ સાથે કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટનો પ્રથમ કોરોના દર્દી જ્યાં નોંધાયો હતો તે જ જંગલેશ્વર વિસ્તારમાં બીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. જંગલેશ્વરના યુવાનને સિવિલ હોસ્પિટલમાં ફલૂ વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન યુવાન વોર્ડ માંથી નાસી ગયા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ અને આરોગ્ય સ્ટાફે યુવાને ઘરે થી હોસ્પિટલ ખસેડી આઇશોલેસન વોર્ડમાં દાખલ કર્યો હતો. કોરોનાગ્રસ્ત યુવાન વિદેશથી આવેલા તેના શેઠના સંપર્કમાં આવ્યાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે લેવાયેલા કુલ ૫૧ સેમ્પલમાંથી ૫૦ નેગેટિવ અને એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ વધુ ૨૩ સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

જામનગરના પ્રથમ પોઝિટિવ ૧૪ માસના બાળકનું મોત

જામનગરમાં ત્રણ દિવસ પહેલા જ લોકલ ટ્રાન્સમિશન ના કારણે માત્ર ૧૪ માસ ના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકની હાલત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.

પરંતુ ગઈ કાલે મોડી રાતે ૧૪ માસના બાળકનું મોત નિપજ્યું હતું. તેના માતા પિતા અને પરિવારજનોને રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યા હતા. આ બાળકને જેના દ્વારા ચેપ લાગ્યો તેનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બાળકનું મોત નિપજ્યું હતું.

જંગલેશ્વરનાં પોઝીટીવ યુવાનનાં સંપર્કમાં આવતા પૂર્વ મેયર સેલ્ફ હોમ કવોરન્ટાઈન થયા

રાજકોટમાં એક સપ્તાહ બાદ જંગલેશ્વરનાં યુવાનનો કેસ કોરોના પોઝીટીવ આવ્યો હતો. યુવાનની તબિયત શરૂઆતમાં બગડતા પૂર્વ મેયર અને વોર્ડ નં.૧૪નાં ભાજપનાં કોર્પોરેટર ડો.જૈમન ઉપાધ્યાયની કિલનીક ખાતે સારવાર માટે ગયો હતો ત્યારબાદ યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે ફલુ વોર્ડમાં કોરોનાનાં લક્ષણ જણાતા આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા પૂર્વ મેયર અને હાલ વોર્ડ નં.૧૪નાં ભાજપનાં કોર્પોરેટર ડો.જૈમન ઉપાધ્યાય અને તેમના પુત્રને જાણ થતા સેલ્ફ હોમ કવોરન્ટાઈન થયાનું જાણવા મળ્યું છે. તેમનો મેડિકલ રીપોર્ટ પણ કરાવવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે. ડો.જૈમન ઉપાધ્યાય પોતાના કિલનીક બહાર દર્દીઓ સાથે ટેલીફોનિક સલાહ-સુચનો આપવાનું અને સાથે કોઈપણ દર્દીને રૂબરૂ નહીં મળી શકે તેવી સુચના લગાવી છે.

Share Now