વડોદરા: સમગ્ર દેશમાં 25મી માર્ચથી 21 દિવસ માટે લોકડાઉન લાગુ છે.લોકડાઉનના પગલે ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડી છે.હાલત કફોડી બની ગઈ છે.જેને લઈને મધ્ય ગુજરાતના 21 ઔદ્યોગિક સંગઠનોએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખ્યો છે.
મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતના 21 ઔદ્યોગિક સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહત પેકેજની માગણી કરી છે.ઉદ્યોગોને વિવિધ રાહતો આપવા માટે પગલાં લેવા જણાવ્યું છે.આ ઉપરાંત જ્યાં હોટ ઝોન ન હોય ત્યાં 21 એપ્રિલ બાદ ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી પણ માંગી છે.
અત્રે જણાવવાનું કે કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે.લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં.નવા ચારેય કેસ લોકલ છે.જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો.24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.