ચીનના હુબેઇ પ્રાંતમાં આવેલા વુહાન માંથી કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો હતો.આ શહેર કોરોના વાયરસના સંક્રમણનું એપીસેન્ટર ગણાય છે.અહીં જ્યાં પ્રાણીઓ વેચાતા હતા તે બજારમાંથી કોરોનાની શરૂઆત થઇ.ચીનની સરકારે વુહાનમાં 21 જાન્યુઆરીથી લૉકડાઉનનું અમલીકરણ કર્યું હતું અને અંતે આજે આ લૉકડાઉન હટાવી લેવાની જાહેરાત કરી છે.કોરના સામે સતત લડીને અનેક જીવ ગુમાવ્યા બાદ અંતે આ શહેરમાં મહિનાઓ પછી સતત બીજા દિવસે કોઇપણ સંક્રમણ કે મોતનાં સમાચાર નથી આવ્યા.ચીનમાં વર્તમાન સમયમાં કોરોના વાઇરસનાં 1500થી વધારે સક્રિય કેસ નોંધાયેલા છે.બીબીસીનાં એક રિપોર્ટ અનુસાર દરેક એવી વ્યક્તિ કે જેને સ્માર્ટફોનમાં હયાત સરકારી હેલ્થ એપ્લિકેશન પર ગ્રીન કોડ પ્રાપ્ત હોય તે તમામ બુધવારથી વુહાન શહેરથી બહાર જઈ શકશે.શહેરમાં લોકલ ટ્રેન, બસ અને રેલવે સેવા શરૂ કરી દેવામાં આવી છે. સરકાર જનરેટ કરશે ક્યુઆર કોડ
બુધવારથી એક ક્યૂઆર કોડના માધ્યમથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરી દેવામાં આવી છે. આ ક્યૂઆર કોડ સરકારી હેલ્થ એપ્લિકેશનના માધ્મથી જનરેટ થાય છે. આનાથી એ વાત નક્કી કરવામાં આવે છે કે આ વ્યક્તિને ગ્રીન કોડ મળ્યો છે કે નહીં.આ કોડ વ્યક્તિના સ્વાસ્થ્યની ઓળખનું કામ કરશે. આ ઉપરાંત હુબેઇ પ્રાંતમાં રેલવે અને ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.છેલ્લા બે મહિનામાં વુહાનમાં અમુક શોપિંગ મોલ્સ અને દુકાનો ખોલવા માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી.આમ છતાં અહીં પ્રવાસ પર કડક નિયમો લાગ્યા હતા. લોકોને બે કલાક સુધી ઘરોની બહાર નીકળવા માટેની છૂટ આપવામાં આવી હતી.
ડૉક્ટરો કહે છે સાવચેત રહો
ડિસેમ્બરથી વુહાન કોરોનાનાં સકંજામાં સપડાયું હતું અને બે મહિના જેટલા લૉકડાઉન બાદ જનજીવન ફરી થાળે પડી રહ્યું છે ત્યારે સરકાર સતત વુહાનમાં લોકોને સતર્ક રહેવાની સુચના પણ આપતી રહે છે. ચીનનાં ગ્લોબલ ટાઇમ્સે આપેલી ખબર મુજબ લોકો આનાથી ખુશ છે પણ નિષ્ણાંતો અને ડૉક્ટરો કહે છે કે હજી આટલો ઉત્સાહ બતાડવાની જરૂર નથી કારણકે સંક્રમિત લોકોનો સંપર્ક થાય તો ફરી સંકટ ખડું થઇ શકે છે.વળી ઘણીવાર સંક્રમિત વ્યક્તિને લક્ષણો જણાતા પણ નથી.ચીનમાં અમેરિકા અને અન્ય યૂરોપિયન દેશોની સરખામણીએ મૃત્યુઆંક નીચો છે પણ એક થિયરી અનુસાર જાણીજોઇને સાચા આંકડા છુપાવાઇ રહ્યા છે.