સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને સંકેત આપી દીધો: બીજેડીના ટોચના નેતાએ કહ્યું,વડાપ્રધાન લોકડાઉન ઉઠાવવાના પક્ષમાં નથી
દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસને પગલે ૧૪મી એપ્રિલે લોકડાઉન ઉઠાવવું કે લંબાવવું તે અંગે છેલ્લા બે-ત્રણ દિવસથી ગડમથલ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના તમામ વિપક્ષી નેતાઓ સાથે આ અંગે વાતચીત કરી હતી અને તે દરમિયાન વડાપ્રધાને સાફ શબ્દોમાં એવો સંકેત આપી દીધો હતો કે દેશની અત્યારની સ્થિતિને જોતાં ૧૪મી એપ્રિલે લોકડાઉન ઉઠાવી શકાય તેવું લાગતું નથી.
વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે પોતે તમામ રાયના મુખ્યમંત્રીઓ સાથે શનિવારે લોકડાઉન યથાવત રાખવું કે ઉઠાવવું તે અંગે ચર્ચા કરશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે પરંતુ અત્યારની સ્થિતિ જોતાં ૧૪મી એપ્રિલે લોકડાઉન ઉઠાવી શકાય તેવી શકયતા ઓછી દેખાય છે.
દરમિયાન બીજુ જનતા દળના પિનાકી મિશ્રાએ વડાપ્રધાન સાથેની બેઠક બાદ પત્રકારોને એમ કહ્યું હતું કે ૧૪મી એપ્રિલે લોકડાઉન નહીં હટે તેમ વડાપ્રધાન બોલ્યા છે.આમ હવે ૧૪મી એપ્રિલે લોકડાઉન દેશમાંથી સંપૂર્ણપણે અથવા તો અંશત: પણ ઉઠે તેવી શકયતા દેખાતી નથી અને વડાપ્રધાનને ટાંકીને નેતાઓએ આજે બપોરે આ પ્રકારના નિવેદનો કર્યા હતા.