સસ્તા અનાજની દુકાનોના ગોરખધંધા, જાડી ચામડીના દુકાનદારોએ ગરીબોને પણ ના બક્ષ્યા

882

કોરોના વાયરલને લઈને દેશભરમાં લોકડાઉન કર્યું છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કોઈ ભૂખ્યું ના સુવે તે માટે સરકારે સસ્તા અનાજની દુકાનના માધ્યમથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાના આદેશ આપ્યા છે ત્યારે આવા લોકોનું અનાજ પણ સસ્તા અનાજની દુકાનના સંચાલકો ખાઈ ગયા છે. અને જરૂરિયાતવાળા લોકોને ઓછું અનાજ આપીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

લોકડાઉનને લઈને દેશભરમાં બજારો બંધ છે. લોકો ઘરમાં પુરાઈ ગયા છે. માત્ર જીવન જરૂરીની ચીજ વસ્તુઓ જ બજારમાં મળી રહી છે. આ લોકડાઉનને લઈને સૌથી વધુ મુશ્કેલી મધ્યમ અને ગરીબ વર્ગને પડી રહી છે તેઓની પાસે કામ ન હોવાથી રોકડ રૂપિયાની પણ મુશ્કેલી છે. જેને લઈને સરકારે સસ્તા અનાજની દુકાનના માધ્યમથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે કેટલાક ખાઈ બદેલા દુકાનદારોએ ગરીબ અને મધ્યમ વર્ગને મફતમાં મળતા અનાજને પોતાનો ધંધો બનાવી દીધો છે. અને આ લોકોને આપવાનો પૂર્વઠામાંથી કટકી કાઢીને અડધો જ પુરવઠો લોકોને વિતરણ કરી રહ્યા છે.

છોટા ઉદેપુર જિલ્લાના બોરધા ગામમાં 5 ગામ વચ્ચે સસ્તા અનાજની એક દુકાન આવેલી છે જેમાં લગભગ 60 કરતા વધુ રેશનકાર્ડ ધારકોને પુરવઠો વિતરણ કરવામાં આવે છે. પરંતુ વર્ષોથી દુકાન ચલાવતા જાડી ચામડીના દુકાનદારે લોકોના હક્કનું અનાજ પણ પૂરતું વિતરણ કર્યું નથી. જેને 35 કિલો ઘઉ મળવા પાત્ર હતા તેને માંડ 12 કિલો ઘઉ આપ્યા છે. 10 કિલો ચોખા મળવાપાત્ર હતા તેને માંડ 4 કિલો ચોખા આપ્યા છે. આવું કરીને પોતાનો ગુનો બહાર ન આવે તે માટે રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જ લખીને પરત કરે છે. જ્યારે આ મુદ્દે ગ્રાહક દુકાનદારને પૂછે તો ઉદ્ધતાઈભર્યો જવાબ આપે છે.

આ અંગે ગ્રામજનોએ જ્યારે પૂર્વ સરપંચ અને આગેવાનને જણાવતા તેઓ પોતે મામલતદારને બોલાવ્યા હતા. અને કેટલાક ગ્રાહકોને કે જેઓ ઓછો પુરવઠો આપ્યો હતો તેઓને પૂરતો પુરવઠો અપાવ્યો હતો પણ મોટાભાગના ગ્રાહકો બાકી જ રહી ગયા છે.

આ મુદ્દે ગ્રામજનોએ છોટા ઉદેપુર કલેકટરને લેખિતમાં અરજી કરીને ઈમેલ દ્વારા મોકલી છે, ઉપરાંત મુખ્યમંત્રી સુધી મોકલી છે અને ગ્રામજનોની મુશ્કેલી જણાવી છે.

મહત્વની વાત તો એ છે કે આ ગોબાચારીની જાણ મામલતદારને થઈ છે અને તેમની હાજરીમાં પુરવઠો વિતરણ કરવામાં આવ્યો છે તેમ છતાંય કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને જ્યારે મામલતદારને પૂછતાં તેઓએ સરકારી જવાબ આપીને પીછો છોડાવતા હોય તેમ તપાસ ચાલુ છે પૂરી થયે નિર્ણય લેવાશે જવાબ આપ્યો હતો.

Share Now