સુરતમાં હવે માસ્ક ફરજિયાત : હજી લોકડાઉનને વધુ કડક બનાવાશે.

278

– પાલિકા રાંદેર અને બેગમપુરામાં 90 હજાર કરતાં વધારે લોકોને હોમ કોરોન્ટાઈન કરી ચૂકી છે, હજી લોકડાઉનને વધુ કડક બનાવાશે.

સુરત,

આવતીકાલ તા.10મી એપ્રિલથી સુરતના દરેક નાગરિકે ફરજિયાત માસ્ક પહેરવાના રહેશે.આ નિયમો આગામી સમયમાં વધુ કડક બનશે તે વાતની સાબિતી એ છે કે સુરત મહાનગરપાલિકા ચાર લાખ માસ્કના ઓર્ડર આપી ચૂકી છે.સુરતના મ્યુ. કમિશનર બંછાનીધિ પાનીએ આજે સાંજે જ એક જાહેરનામું બહાર પાડીને હુકમ કર્યા છે કે સુરત મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોએ ફરજીયાત હોમમેઈડ માસ્ક (નોન વુલન) પહેરવા તથા social distancing ( સામાજિક અંતર) જાળવવાનું રહેશે.જો આ નિયમોનો અમલ નહિં કરો તો કાયદાકિય પગલાં લેવામાં આવશે.

વહીવટીતંત્રોની વારંવારની અપીલ છતાં શાકભાજી માર્કેટ તથા અન્ય સ્થળો પર Social distancing જળવાઈ નથી રહ્યું છેવટે પોલીસ અને પાલિકા બંને કડક બની છે.આ જરૂરી પણ છે કેમકે આ એ શહેર છે કે જેના રાંદેર અને બેગમપુરા વિસ્તારમાં થઈને 97,986 લોકોને હોમ કોરોન્ટાઈન કરવા પડ્યાં છે.ગઈકાલથી સુરતમાં કોરોના પેશેન્ટ હસનચાચાનો ઈશ્યુ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.રાંદેરના સુલતાનિયા જીમખાનામાં વોચમેન તરીકે ફરજ બજાવતા 68વર્ષના હસન ચાચા પટેલમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા અને તેમ છતાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.સુરત મ્યુ.કમિશનરે તેથી જ સ્પષ્ટ કર્યું છે કે હસનચાચા સહિત કુલ ત્રણ વ્યકિત એવી છે જેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણ દેખાતા નથી પરંતુ તેઓનો ટેસ્ટ પોઝિટીવ છે. આપણી આસપાસ પણ આવા સાયલન્ટ કેરિયર હોઈ શકે છે તેથી હવેના તબક્કામાં શહેરીજનોએ તકેદારી રાખવાની ખૂબ જરૂર છે.

બીજી તરફ શહેરનો એક આખો પટ્ટો અત્યારે ભયજનક ઝોનમાં આવી ચૂક્યો છે અને તેથી જ તકેદારી માટે રાંદેર વિસ્તારમાં 17,269 ઘરના 80,000 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલા છે જ્યારે બેગમપુરાના 4,138 ઘરના 17,986 નાગરિકોને હોમ કોરોન્ટાઈન કરાયા છે.

આજની તારીખે સુરતમાં 22 કોરોના પોઝિટીવ કેસ છે.જેમાં ચાર ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગના છે,બે ઈન્ટર સ્ટેટ ટ્રાવેલિંગની હિસ્ટ્રી ધરાવે છે, 7 કેસ એવા છે કે જેઓ કોરોના પોઝિટવ પેશન્ટના કલોઝ કોન્ટેક્ટમાં હતા અને 9 કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હજી 18 કેસમાં રિર્પોટ આવવાનો બાકી છે.

થોડા દિવસો પહેલાં જ સરદાર માર્કેટ અને ઝાંપાબજારમાં જે બન્યું હતું તે ભયંકર હતું.તે પછી પણ પાલનપુર પાટિયા વિસ્તારમાં મશાલ સર્કલ પાસે સવારે 6થી 8માં આવી જ પરિસ્થિતિ હોય છે.હાલની સ્થિતિ જોતા મ્યુ.કમિશનરે આદેશ કરવો પડ્યો છે કે શાકભાજી માર્કેટમાં જો આવતીકાલથી બે મીટરનું સોશિયલ ડિસ્ટનિંગ નહિં જળવાય અને માસ્ક વગર કોઈ પણ વ્યકિત નજરે પડશે તો કડક પગલાં લેવામાં આવશે. માર્કેટમાં બે મીટરનું અંતર છોડીને સ્કેવર બનાવવામાં આવી રહ્યાં છે જેમાં વેચાણ માટે ઊભા રહેવાનું રહેશે.ખરીદી કરવા આવનારે પણ ચોક્કસ અંતરે લાઈનમાં ઊભા રહેવું પડશે અને તેમ કરવામાં ચૂક જણાશે તો ખૂબ કડક પગલાં લેવાશે.

Share Now