ભારતે ઈઝરાયલને પણ દવા મોકલી, નેતન્યાહૂએ કહ્યું- થેંક્યૂ મોદી

272

– ટ્રમ્પ અને બોલસોનારો બાદ નેતન્યાહૂએ પણ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હી,

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વાયુવેગે વધી રહ્યા છે. ભારતમાં પણ આ વાયરસ પોતાનો આતંક મચાવી રહ્યો છે.ભારતે આ દવા અમેરિકા અને બ્રાઝીલની સાથે-સાથે ઈઝરાયલ પણ મોકલાવી હતી. જેના માટે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે વડાપ્રધાન મોદી સાથેની એક તસવીર શેર કરતા તેમણે મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે,દવા આપવા બદલ મારા વ્હાલા મિત્ર મોદીનો ખૂબ ખૂબ આભાર.ઈઝરાયલના તમામ નાગરિકો તરફથી હું તમારો આભાર વ્યક્ત કરું છું.

કોરોનાના આ સંકટ દરમિયાન એક સારી ખબર સાંભળવા મળી છે કે મેલેરિયાની હાઈડ્રોક્સીક્લોરોક્વાઈન દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે. કોરોનાની આ સારવારને મહત્વની ગણવામાં આવી રહી છે.અમેરિકા સહિતના કેટલાક અન્ય દેશોએ પણ ભારત પાસ હાઈડ્રોક્સીક્લોરોક્વાઈન દવાની માગ કરી હતી.આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ પણ દવા મોકલવા બદલ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ સારા અને મહાન નેતા ગણાવ્યા હતા.ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે અમેરિકાએ 29 મિલિયન દવાનો જથ્થો ખરીદ્યો છે. જેમાંથી મોટા ભાગનો જથ્થો ભારત પાસેથી ખરીદવામાં આવ્યો છે.

જ્યારબાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પને વળતો જવાબ આપતા કહ્યું હતું કે તમારી વાતથી હું સંપૂર્ણ સહમત છું.આવા સમયમાં મિત્રો નજીક આવી જતા હોય છે.ભારત-અમેરિકા દ્વીપક્ષીય સંબંધો પહેલા કરતા વધુ મજબૂત થયા છે.ભારતે કોરોના સામેની લડાઈમાં તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.ભારત વિશ્વભરમાં અન્ય જરૂરિયાતમંદ દેશોને તેનાથી શક્ય હશે તેવી તમામ મદદ કરશે.આપણે આ લડાઈમાં સૌ સાથે મળીને વિજય પ્રાપ્ત કરીશું.

ભારત દ્વારા હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના નિકાસને મંજૂરી આપવાના નિર્ણય પર બ્રાઝીલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે જાણે ભગવાન રામના ભાઈ લક્ષમણનો જીવ બચાવવા માટે હનુમાન હિમાલયમાંથી સંજીવની જડીબૂટી લઈને આવ્યા હોય. ભારત અને બ્રાઝીલ સાથે મળીને જરૂરથી કોરોના સામેની જંગ જીતી જશે.

Share Now