કોરોના વાઇરસને લઇને 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે સુરતના ઉદ્યોગ બંધ હોવાને લઇને બેકાર બનેલા પરપ્રાંતીય દ્વારા આજે અમરોલી વિસ્તારમાં બેનર સાથે એક વિડીયો બનાવ્યો છે. સરકાર 2500 જેટલા લોકો માટે ખાવાની વ્યવસ્થા કરે અથવા તેમને વતન મોકલવાની સગવડ કરે. તેમને કોઈ સુવિધા નહી મળતા તેમની હાલત દિવસેને-દિવસે બગડી રહી છે, અને મદદ માટે ગુહાર લગાવી છે.
કોરોનાને લઇને સરકાર દ્વારા જે રીતે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં મહત્વના બે ઉદ્યોગ આવેલા છે ત્યારે આ લોકડાઉને લઇને આ ઉધોગો બંધ છે, જેને લઈને તેમની સ્થતિ દિવસેને દિવસે બગડી રહી છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા રણછોડ નિકેતનમાં રહેતા યુપી – બિહાર અને ઓડિશાવાસીઓ આખરે મજબુર બની બેનરો સાથે રોડ ઉપર આવ્યા હતા. લોકડાઉન બાદ સતત આંખ આડા કાન કરતા તંત્રને લઈ રોષ વ્યકત કર્યો હતો. હમ ભૂખ સે મર રહે હે, હમેં ઘર ભેજો, હમેં ખાના દો, જેવા બેનરો સાથે સૂત્રો ચાર કરનાર એક બે નહિ પણ 2500થી વધુ હોવાનું જણાવ્યું છે. આ લોકોએ એક વિડીયો વાઇરલ કરીને ક્યાંતો તેમના જમવાની સગવડ કરે અથવા તેમના વતન જવા માટે કોઈ વ્યવસ્થા કરી આપવાની ગુહાર લગાવી છે આ વિડીયોમાં તેમને ગુજરાતના સીએમ અને ભારતના પીએમને પણ મદદ માટે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમરોલીમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ વિસ્તાર આખો મજૂર, નોકરિયાત વર્ગથી ભરેલો હોવાનું અને કોઈ પણ સામાજિક સંસ્થાઓ પણ અહીંયા રાહત સામગ્રી કે અનાજની કીટ લઈને આવતી ન હોવાનું જણાવ્યું હતું.
રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સહિતના ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના હજારો કારીગરો રસ્તા ઉપર ઉતરી આવ્યા વતન જવાની માંગ સાથે હોબાળો કર્યો અને રસ્તે મુકેલા બેરીકેટ્સને ફેંકી દીધા, શાકભાજીની લારીઓ પણ ઉંધી કરી પથ્થરમારી ગાડીઓના કાચ તોડ્યા
એક જ દિવસમાં બે સ્થળોએ કારીગરોની સમયસર વેતન તેમજ જમવાનું નહીં મળતું હોવાના મુદ્દે ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં સવારે સુરત ડાયમંડ બુર્સના કારીગરોએ ધમાલ કર્યા બાદ મોડી સાંજે શહેરના લસકાણા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર કળથીયા સોસાયટીના હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી હતી. ટોળાએ રસ્તાને બંધ કરવા માટે મુકવામાં આવેલા બેરીકેટ્સને ફેંકી દઈને લાકડા પણ તોડી પાડીને સળગાવી દીધા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો.
લસકાણાના વિવર્સ અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યુંહતુંકે, આજે મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ લસકાણાની પ્રમુખ સોસાયટીઓ જેવી કે ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા જેવી સોસાયટીઓમાં રહેતાં અંદાજે 2000 થી 3000 કારીગરો રસ્તે આવી ગયા હતા. વતન જવાની માંગણી કરીને રસ્તો બંધ કરવા માટે પોલીસે મુકેલા બેરીકેટ્સ અને લાકડાને ફેંકી દીધા હતા.
અન્ય વિવર્સ અગ્રણી હરિ કથિરીયાએ જણાવ્યુંહતુંકે, સાંજે પહેલા કેટલાક કારીગરોનું જુથ રસ્તે આવી ગયું હતું, પોલીસે તેમને ઘરે ચાલ્યા જવા કહ્યુ હતું. પોલીસ જતાં મોટી સંખ્યામાં ટોળું ફરી રસ્તે આવી પહોંચ્યુ હતું. જેમાં ગાડીઓની સાથો-સાથ શાકભાજી અને ફળ વિક્રેતાઓને લારીને પણ મોટુ નુકશાન કર્યુ છે. જોકે ,કોઈ ઉદ્યોગકારોને ઈજા થઈ નથી. તેમજ મિલ કે મિલના મશીનોને પણ નુકશાન કર્યુ નથી.