કોરોના સંક્રમણ ટાણે પણ સેવઉસળની પાર્ટી કરવા ભેગા થયેલા સાત પકડાયા

333

શ્રીજી સોસાયટી પાસે જાહેરનામાનો ભંગ કરીને જલ્સા કરી રહેલાની સામે દાખલ થયો ગુનો

વડોદરા,

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં હજી ટોળે વળીને ગપ્પા મારવાના, પાર્ટીઓ કરવાનો ચસકો લોકોમાંથી નીકળ્યો નથી. સયાજીગંજ વિસ્તારના શ્રીજી સોસાયટી ખાતે સેવઉસળની પાર્ટીમાં ભેગા થયેલા સાત લોકોની પોલીસે ધરપકડ કરી છે. આવી જ રીતે રોજે રોજ મોર્નિંગ વોકર્સોની ધરપકડ થતી હોવા છતાં જાહેરનામાનો છેડેચોક ભંગ કરીને હજી લોકો જોગીંગ કરવા રોડ પર નિકળતા હોવાથી પોલીસે હવે તેમની પણ ધરપકડ કરવાનો સીલસીલો ચાલુ રાખ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સયાજીગંજ વિસ્તારના ડેરીડેન સર્કલ પાસે ફરજ બજાવતા પોલીસને બાતમી મળી હતી કે, શ્રીજી સોસાયટી ખાતે સેવઉસળનો કાર્યક્રમ છે. જાહેરનામાનો ભંગ કરીને ટોળા વળીને સેવ ઉસળની ઉજાણી થતી હોવાની બાતમીના આધારે ધસી ગયેલી પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી ચેમ્પીયન બ્યુટી પાર્લરવાળા કલ્પેશ રમણભાઇ લીમ્બાચીયા, નેક્ષ્ટ ફેશનની દુકાન ધરાવતા ધવલ અશ્વીનભાઇ પટેલ, વાઇલ્ટ લાઇફ વોલ્યંટર અમીત દિનેશભાઇ પટેલ, એલઇડી ટેક્નો કંપનીમાં નોકરી કરતા રોનક લલીતભાઇ પટેલ, શ્રીજી સિક્યુરીટીમાં સુપરવાઇઝર તેજસ દિનેશભાઇ પટેલ, ટેલર શોપ ધરાવતા દિતુભાઇ નારસિંગ રાઠવા તથા એમએસસી કંપનીના મીકેનીકલ એન્જીનીયર વિરલભાઇ રણછોડભાઇ ભાડગાવકરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જાહેરનામાનો ભંગ કરીને અલકાપુરી અરૂણોદય સોસાયટી, વડીવાડી વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા નિકળેલા ચાર લોકોને પકડવામાં આવ્યા હતા. જેમાં ઇલેક્ટ્રોનીક્સ આઇટમના વેપારી મયુર જીતેન્દ્રભાઇ શાહ, કંન્ટ્રક્શન કંપની ધરાવતા બીરેન અરૂણભાઇ પટવા, સોફ્ટવેર એન્જીનીયર ચીરાગ દામુભાઇ ગજ્જર તથા બિલ્ડર તાહીર અબ્બાસ જાંબુઆવાલનો સમાવેશ થાય છે. ગોરવા, ગોત્રી, વાસણા – ભાયલી રોડ, અકોટા, શ્રેણીક પાર્ક, બીનાનાગર, મુજમહુડા, સુભાનપુરા , તાંદલજા વિસ્તારમાં થી ત્રીસથી વધુ લોકોની ધરપકડ કરીન તેમની સામે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Share Now