નવી દિલ્હી, તા. 11 એપ્રીલ 2020, શનિવાર
આખા દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હોટસ્પોટ ગણાતા શહેરોમાં એકાએક પોઝીટીવ કેસના વધી રહેલા આંક વચ્ચે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોના વાયરસને કારણે વધી રહેલા મૃત્યુ આંકડાને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશના ઇન્દોરમાં એડવાન્સમાં કેટલીક કબરો ખોદવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, લોકોએ લાશને દફનાવવા માટે લાંબી રાહ જોવી પડી રહી છે ત્યારે આ સમયે મોર્ચરીમાં શબ માટે જગ્યાની પણ અછત છે. તેથી, સ્થાનિક લોકોની માંગ પર 10 કબરોને ખોદીને તૈયાર રાખવામાં આવી છે. ઇન્દોરના ચંદન નગર સ્થિત નૂરાની કબ્રસ્તાનમાં છેલ્લા 20 દિવસમાં લગભગ 45 જેટલા મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે.
કોરોનાનું હોટસ્પોટ બનેલા આ શહેરમાં કોરોનાનું સંક્રમણ જોતાં વહિવટી તંત્રને આશંકા છે કે, મૃત્યુઆંક પણ ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં મૃતકોને દફન કરવા માટે કબરોની તંગી પડી શકે છે.
કોરોના વાયરસના ચેપથી માર્યા ગયેલા લોકો માટે તેની ઊંડાઈ વધારીને 10 ફૂટ કરવામાં આવી છે. 10 ફૂટ ઊંડી કબરો ખોદવામાં માનવ મજૂરીને લીધે થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને, ત્રણ દિવસ પહેલા પોકલેન્ડ મશીનની મદદથી દશેક જેટલી 10 ફૂટ કબરો ખોદીને રેડી રાખવામાં આવી છે. જો કે સામાન્ય રીતે મૃતદેહને દફનાવવા માટે કબરો 6 ફૂટ ઊંડી ખોદવામાં આવે છે.
મૃતકોની સંખ્યામાં વધારો થવાને કારણે ગુરુવારથી શનિવાર સુધીમાં 13 જેટલા મૃતદેહોને સ્મશાનમાં દફનાવવામાં આવ્યા છે. જે પછી પોકલેન્ડ મશીનની મદદથી આજે નવી કબરોનું ફરીથી ખોદકામ કરવામાં આવશે. ગુરુવારે 8, શુક્રવારે 3 અને શનિવારે 2 મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્દોરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, ઈન્દોરમાં બીજા ડોક્ટર સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જે બાદ હવે શહેરમાં મૃત્યુઆંક 30 થઈ ગયો છે. સમગ્ર મધ્ય પ્રદેશમાં કોરોના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે વધીને 40 થઈ ગઈ છે.