– વિમાનો ભરી ભરીને સહાય પહોંચી રહી છે
નવી દિલ્હી, તા. 11 એપ્રીલ 2020, શનિવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની જેટલી ગાઢ છે તેટલી જ ગાઢ પાકિસ્તાનની ચીન સાથેની મિત્રતા છે. આ કારણે જ ચીન વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે પાકિસ્તાનને મેડિકલ સહાય આપી રહ્યું છે. એક તરફ પાકિસ્તાનમાં ઝડપથી કોરોના ફેલાવાનું જોખમ વધી રહ્યું છે અને શનિવાર સુધીમાં નવા 190 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,788 થઈ ગઈ છે ત્યારે ચીન પાકિસ્તાનને મેડિકલ સહાય પૂરી પાડીને મિત્ર ધર્મ નિભાવી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયની વેબસાઈટના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા છે અને તે સાથે કુલ મૃતકઆંક 71 નોંધાયો છે.
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 762 લોકો આ બીમારી સામે લડત આપીને સ્વસ્થ થયા છે જ્યારે 50 જેટલા લોકોની સ્થિતિ ખૂબ જ નાજુક છે. ચીનમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે સેવા આપી રહેલા નગમાના હાશમીએ ટ્વિટરના માધ્યમથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)નું વિશેષ વિમાન ચીનના ચેંગ્દૂ ખાતેથી ચિકિત્સા માટેનો સામાન લઈને ઈસ્લામાબાદ માટે રવાના થયું હોવાની જાણકારી આપી હતી. બે દિવસમાં પાકિસ્તાનનું બીજું વિમાન ચીનથી ચિકિત્સા સહાય મેળવીને પરત રવાના થયું હતું. હાશમીએ વિમાનમાં 50 વેન્ટિલેટર, પીપીઈ અને અન્ય ઉપકરણોનો જથ્થો હોવાની માહિતી આપી હતી.
પોતાના નાગરિકોને પરત લાવવા વિચારણા
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ શનિવારે અધિકારીઓ સાથે બેઠક યોજીને અન્ય દેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટેની પદ્ધતિઓ અંગે વિચારણા કરી હતી. આ તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લોકોને કોરોના વાયરસ ફેલાતો અટકાવવા અધિકૃત દિશાનિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી હતી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સૌથી વધુ કેસ
આંકડાકીય માહિતી પ્રમાણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કોરોનાના સૌથી વધારે 2,336 કેસ નોંધાયેલા છે. તે સિવાય સિંધ પ્રાંતમાં 1,214 કેસ, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં 656 કેસ, બલૂચિસ્તાનમાં 220 કેસ, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં 215 કેસ, ઈસ્લામાબાદમાં 215 કેસ અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં 34 કેસ સામે આવ્યા છે. આ સંજોગોમાં પાકિસ્તાનની મદદ માટે ચીન વધુ ચિકિત્સા સામગ્રી મોકલી રહ્યું છે.