નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2020, રવિવાર
સમયનો ખેલ ખૂબ જ અકલ્પનીય છે. એક સમયે પશ્ચિમના દેશો ભારતની સંસ્કૃતિ અને તેની સભ્યતાની ખૂબ જ મજાક ઉડાવતા હતા પરંતુ આજે તે બધા દેશો ભારત સામે નતમસ્તક જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોરોના મહામારીના કાળા કેર વચ્ચે વિશ્વભરના દેશો ભારતની અભિવાદન પદ્ધતિને પણ અપનાવી રહ્યા છે. હાથ મિલાવવાથી એટલે કે હસ્તધૂનનથી વાયરસનો ચેપ લાગવાનું જોખમ રહેલું છે માટે પશ્ચિમના દેશો ‘નમસ્તે’નું મહત્વ સમજી રહ્યા છે અને ઈઝરાયલ, બ્રિટન જેવા દેશોના નેતાઓ ખુલીને નમસ્તે કરી રહ્યા છે.
આખું વિશ્વ હાલ કોરોનાની લપેટમાં છે અને અમેરિકાની સ્થિતિ સૌથી દયનીય છે. પરંતુ તેમ છતાં દુનિયાભરમાં ભારતની પ્રશંસા થઈ રહી છે કારણ કે, ભારત પોતે મુશ્કેલીમાં હોવા છતા અન્ય દેશોની મદદ માટે આગળ આવ્યું છે. કોવિડ-19 સામેની લડાઈમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની દવા ‘ગેમચેન્જર’ ગણાઈ રહી છે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ તેને મેળવવા ભારતની મદદ માંગી રહ્યા છે. ભારત આ દવાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને અમેરિકા ઉપરાંત વિશ્વના અનેક વિકસિત દેશો પણ ભારત પાસેથી તેની માંગણી કરી રહ્યા છે.
ભારત અનાજની તંગી સમયે મળેલી મદદનો બદલો વાળશે
1951માં દેશ અનાજની તંગી સામે ઝઝુમી રહ્યો હતો ત્યારે તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ અમેરિકાની મદદ માંગી હતી. આજે 2020 સુધીમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપી આગળ આવનારૂં અર્થતંત્ર બની ગયું છે અને કોરોના સામેની લડતમાં વોશિંગ્ટનની મદદ કરવા સક્ષમ બની ગયું છે. 12મી ફેબ્રુઆરી, 1951ના રોજ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેને કોંગ્રેસ સમક્ષ ભારતને 20 લાખ ટન અનાજની મદદ કરવા ભલામણ કરી હતી. તેમણે આ મદદને ભારતના લોકો પ્રત્યેની મિત્રતા અને લોકો ભૂખ્યાં ન રહે તેવી ચિંતા ગણાવી હતી.
પોતાના ફાયદા માટે અમેરિકાએ ભારતની મદદ કરેલી
અમેરિકાના આ પગલાને માનવીય આધાર પર મૂલવવામાં આવ્યું હતું પરંતુ ટ્રુમેન અને તેમના સલાહકારોના મતે નવી દિલ્હીના આગ્રહ પર ત્વરિત પ્રતિક્રિયા આપી બંને દેશો વચ્ચે સારા સંબંધો વિકસાવી શકાય તેમ હતું. ટ્રુમેન અનાજની તંગીના સમયે ભારતની મદદ કરીને દિલ્હીનું સાચું હિત પશ્ચિમી દેશો સાથે છે તેવું દર્શાવવા માંગતા હતા.
70 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું
1951થી 2020ના 70 વર્ષના ગાળામાં ઘણું બધું બદલાઈ ગયું છે. ભારત આજે ખાદ્યાન્નના ઉત્પાદન મામલે આત્મનિર્ભર થઈ ગયું છે. સ્થિતિ એટલી હદે પલટાઈ ગઈ છે કે આજે અમેરિકા એક દવા માટે ભારત સામે હાથ લંબાવી રહ્યું છે અને ભારતે તેનો પ્રસ્તાવ સ્વીકારીને ટૂંક સમયમાં જ મદદનું આશ્વાસન આપ્યું છે. ભારત સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસને મંજૂરી આપી ત્યાર બાદ ટ્રમ્પે વડાપ્રધાન મોદી અને ભારતીય લોકોનો આભાર માન્યો હતો અને ટ્વિટમાં ભારતની આ મદદને કદી ભૂલવામાં નહીં આવે તેમ લખ્યું હતું.
ભારતના લોકડાઉનના નિર્ણયની પ્રશંસા
અમેરિકા અને બ્રિટને કોવિડ-19ની ગંભીરતા સમજવામાં ઘણું મોડું કરી દીધું હતું અને ટ્રમ્પે તો તેને અફવા ગણાવીને જાદુની માફક ગાયબ થઈ જશે તેમ પણ કહ્યું હતું. એક તરફ ભારત સહિત અનેક એશિયાઈ દેશો લોકડાઉન તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે પશ્ચિમી દેશોએ વેપાર ચાલુ રાખ્યો હતો. હાલ અમેરિકા અને બ્રિટનમાં મૃતકઆંક હજારોની સંખ્યામાં નોંધાઈ રહ્યો છે અને બ્રિટિશ વડાપ્રધાન પોતે જ હાલ આઈસીયુમાંથી બહાર આવ્યા છે. યુનાઈટેડ નેશન્સે ભારતમાં લોકડાઉનને યોગ્ય સમયે લેવાયેલો યોગ્ય નિર્ણય ગણાવી તેની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારતને ‘હનુમાન’ની સંજ્ઞા પણ આપી હતી.