ઓહ ગોડ ! બ્રિટનમાં છ મહિનાની બાળકીને લાગ્યો કોરોના

283

લંડન તા. ૧૩: કોરોના વાયરસ નાના બાળકોને પણ નથી છોડી રહ્યો,ત્યારે બ્રિટનની એક મિરેકલ બેબી પણ આ વાયરસનો ભોગ બની છે.માત્ર છ મહિનાની એરિન બેટ્સ જન્મી ત્યારથી તેને હૃદયની તકલીફ હતી.જેને કારણે તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી.શ્વાસનળીની પણ સમસ્યા ધરાવતી એરિન ખાસ્સો સમય હોસ્પિટલમાં રહ્યાં બાદ આખરે ઘરે ગઈ હતી,અને તેની બચી જવાની પણ ડોકટરોએ આશા વ્યકત કરી હતી.જોકે,ગત શુક્રવારે જ તેને કોરોનાનો ચેપ લાગી ગયો હતો.આ નાનકડી બાળકી હાલ હોસ્પિટલમાં એડમિટ છે,અને તેની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ તેના મમ્મી-પપ્પાએ શેર કર્યો છે.તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના થાય તે માટે તેને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવામાં આવી રહ્યો છે.તેના શરીર પર બીજા ઈકિવપમેન્ટ્સ પણ લગાવવામાં આવ્યા છે જેથી તેના અન્ય અંગોની ગતિવિધિ પર પણ નજર રાખી શકાય.એરિન સાથે તેની મમ્મી એમ્મા બેટ્સ હોસ્પિટલમાં જ રહે છે.તેના પપ્પા હાલ પોતાના ઘરે જ આઈસોલેશનમાં છે,અને વીડિયો કોલ દ્વારા પોતાની દીકરીને જોતા રહે છે.બેટ્સ દંપતીના લગ્નના એક દાયકા બાદ એરિનનો જન્મ થયો હતો.તેઓ ઘણા સમયથી બાળક માટે પ્રયાસ કરી રહ્યાં હતાં,પરંતુ ડોકટરની સલાહ લીધા બાદ તેમને ખબર પડી હતી કે કદાચ તેઓ કયારેય માતાપિતા નહીં બની શકે.જોકે,એમ્મા ૧૦ વર્ષ બાદ કુદરતી રીતે જ ગર્ભવતી બની,અને તેણે એરિનને જન્મ આપ્યો.

બેટ્સ દંપતીનું કહેવું છે કે એરિન પહેલાથી જ ખૂબ જ મજબૂત છોકરી છે અને તેના બચવાની કોઈ શકયતા ના હોવા છતાંય તે અનેક શારીરિક તકલીફોને હરાવી ચૂકી છે.તેમને વિશ્વાસ છે કે તેમની દીકરી કોરોના વાયરસને પણ હરાવીને જલ્દી જ ઘરે આવી જશે.બ્રિટનમાં કોરોના ફાટી નીકળ્યો હોવા છતાં કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી ના લઈ રહ્યા હોવાનું કહેતા બેટ્સ દંપતી જણાવે છે કે તેઓ સુપરમાર્કટમાં ગયા ત્યારે ત્યાં જબરજસ્ત ભીડ હતી.તેમની બાળકીને કોરોનાનો ચેપ લાગી શકે છે તેવો તેમને પહેલાથી જ ડર હતો.જે લોકો વાયરસને ગંભીરતાથી નથી લેતા તેમના માટે એરિનની માતાએ એક લાંબી પોસ્ટ પણ લખી છે.

Share Now