રેડઝોન નાગરવાડા વિસ્તારમાં કોરોનાની સદી : વડોદરામાં કુલ આંક 114 પર પહોચ્યો

329

નાગરવાડાના સસ્તા અનાજની દુકાન ધરાવતા પરિવારના મોભી સહિત વધુ બે વ્યક્તિઓના લપટાયા

વડોદરા,

વડોદરાના કોરોનગ્રસ્ત એવા નાગરવાડા વિસ્તારમાં વધુ ચાર કેસ આવતાં માત્ર આ વિસ્તારની કુલ સંખ્યા ૧૦૦થી વધુ થઇ ગઇ હતી.આજે અત્યાર સુધીમાં આવેલા છ નવા કેસના પગલે વડોદરામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૪ સુધી પહોચી ગઇ હતી.નાગરવાડાના સસ્તા અનાજની દુકાન ધરાવતા પરિવારના મોભી સહિત વધુ વ્યક્તિઓ પણ કોરોનાના સપડાઇ જતાં આ પરિવારના જૂજ સભ્યો સિવાય આખુ પરિવાર કોરોનાગ્રસ્ત બની ગયુ હતુ.જેના પગલે વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારની લગભગ પંદર જેટલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની તબીબી ચકાસણી શરૂ કરી દીધી હતી. બીજી તરફ લોકડાઉન-૨ને વધુ અસરકારક બનાવવા માટે હવે આરપીએફ બાદ બીએસએફનો પણ ઉપયોગ લેવામાં આવી રહ્યો છે.વડોદરાના તાંદલજા વિસ્તારમાં આજે બીએસફનું પેટ્રોલીંગ કરાવવામાં આવ્યુ હતુ.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટિવ ના છ નવા કેસો સેમ્પલ ચકાસણી દરમિયાન પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૧૧૪ થઈ છે.આજના નવા છમાં ચાર નાગરવાડા વિસ્તારના અને બે કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે.સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું.ત્યારે આજે બીજા દિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.કારેલીબાગમાં અત્યાર સુધી ત્રણ પોઝિટિવ કેસો નોંધાયા છે.

કોરોના સંકટને અનુલક્ષીને જિલ્લા કલેકટર ના પહેલરૂપ સંકલનથી ભવિષ્યલક્ષી તકેદારીના કદમ રૂપે વડોદરા નજીક પારુલ અને ધીરજ હોસ્પિટલ,પીપળીયા ખાતે કોરોના ટેસ્ટની ખાનગી સુવિધા શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના પીઠબળ સાથે આ સુવિધા માટે જરૂરી બહુ ઉપયોગી ટેકનિકલ ગાઈડેન્સ એઇમ્સ,જોધપુર તથા આઇ.સી.એમ.આર. દ્વારા આપવામાં આવશે.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર આ સુવિધા શરૂ કરવા માટે રાજ્ય સરકારે પ્રાથમિક અને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. વડોદરા જિલ્લો એ ઘણો મોટો જિલ્લો છે.શહેર ઉપરાંત જિલ્લામાં પણ ઘણી મોટી વસ્તી છે.તેને અનુલક્ષીને ભવિષ્ય લક્ષી તકેદારીના ભાગ રૂપે કોરોના ટેસ્ટની સુવિધાઓ વધે એવા પ્રયત્નો શરૂ કર્યા છે.તેની એક કડીના રૂપમાં આ સુવિધા સ્થાપિત કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
ટેસ્ટ માટેની તમામ માળખાકીય સગવડો સંબંધિત સ્થાનિક સંસ્થાઓએ સ્વખર્ચે સ્થાપિત કરવાની રહેશે.આ બાબતમાં આ સંસ્થાઓને એઇમ્સ,જોધપુર તેમજ આઇ.સી.એમ.આર.નું ટેકનિકલ ગાઇડેન્સ મળે એ માટેનું સંકલન પણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી રહ્યું છે.નિકટ ભવિષ્યમાં આ સુવિધાઓ કાર્યરત થઇ જાય એવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Share Now