બેલ્જિયમ, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર
એક તરફ કોરોના વાયરસ મહામારીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે પાકિસ્તાનમાં રહેલા લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન સહિતના અનેક આતંકવાદી સંગઠનો આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે.જાણવા મળ્યા મુજબ આ પ્રકારના આતંકવાદી સંગઠનો ખરાબ અર્થતંત્રને પગલે બેરોજગાર થયેલા યુવાનોને ભોળવીને આતંકવાદી બનાવી તેમની ભરતી કરવાની તૈયારીમાં છે.
બેલ્જિયમના થિન્ક ટેન્ક સાઉથ એશિયા ડેમોક્રેટિક ફ્રન્ટે કરેલા દાવા પ્રમાણે જો આ સંજોગોમાં સરકારો સતર્ક નહીં રહે તો સ્થિતિ આનાથી પણ વધારે ખરાબ બની શકે છે.ફ્રન્ટના ડિરેક્ટર સિગફ્રાઈડ વુલ્ફના કહેવા પ્રમાણે લાંબા સમયથી જેહાદી જૂથો આર્થિક સંકટમાં ફસાયેલા લોકોને ભોળવી અને છેતરી રહ્યા છે.ખાસ કરીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી ક્ષેત્રોમાં આવા જૂથો વધુ સક્રિય હોય છે.
ફ્રાન્સમાં રહેતા પાકિસ્તાની પત્રકાર તાહા સિદ્દિકીના કહેવા પ્રમાણે મહામારી જેવા વિકટ સમય દરમિયાન કટ્ટરપંથી જૂથો અને ઈસ્લામિક આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા માટે એકજૂથ થઈ શકે છે. આ સંજોગોમાં સુરક્ષા એજન્સીઓ અને સોશિયલ મીડિયાએ સાથે મળીને આવા આતંકવાદી જૂથોને બેનકાબ કરીને રોકવા માટે કામ કરવાની જરૂર છે. દક્ષિણ એશિયાના નિષ્ણાંત જુનૈદ કુરૈશીએ વર્તમાન સંજોગોમાં આ પ્રકારના સમાચારને તકલીફજનક ગણાવ્યા હતા.