– યસ બેન્ક, ICICI બેન્ક, એક્સિસના ઘટનાક્રમ પછી રિઝર્વ બેન્ક ફરી આ મુદ્દે સક્રિય બની
એજન્સી > મુંબઈ
રિઝર્વ બેન્ક ખાનગી બેન્કોમાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ)ની નિમણૂક અંગેના નિયમ અને સમયમર્યાદા વધુ આકરા બનાવશે.ખાનગી બેન્કમાં જે વ્યક્તિને ટોચનું પદ સોંપવાનું હોય તેના કોમર્શિયલ ઓપરેશન્સ ચલાવવાના નોંધપાત્ર અનુભવ,બોર્ડમાં તેમનો અનુભવ, બેન્કના મહત્ત્વના નિર્ણયોમાં તેમની ભૂમિકા,વગેરે પરિબળો રિઝર્વ બેન્ક ધ્યાનમાં લેશે. એમડી કે સીઈઓના નોમિનેશન અને રેમ્યૂનરેશન(વેતન) અંગેની સમિતિની જવાબદારી વધારવામાં આવશે.અનુગામીનું આયોજન વધારે ગહન બનાવવા ખાનગી બેન્કોને કહેવાશે.
હાલમાં ખાનગી બેન્કોમાં સીઈઓ કે એમડીના ટોચના પદ પર અનુગામી નક્કી કરવાની પ્રક્રિયા ખાસ મજબૂત નથી.કી પર્સોનેલ રિસ્ક અંગે પણ નક્કર સુધારા થાય તેવું આરબીઆઈ ઈચ્છે છે.ઓચિંતા કોઈ ઘટનાક્રમ બને તેવા સંજોગોમાં કન્ટિન્જન્સી મહત્ત્વની બને છે.અત્યારે ખાનગી બેન્કમાં અનુગામીનું આયોજન એટલે ટોપ મેનેજમેન્ટ જે નક્કી કરે તે ફાઈનલ એવું હોય છે.આરબીઆઈ એવું ઈચ્છે છે કે વર્તમાન સીઈઓ કે એમડીની ટર્મ પૂરી થવાની હોય તેના ખાસ્સા સમય પહેલાં જ સેકન્ડ-ઈન-કમાન્ડ તૈયાર હોવો જોઈએ.ખાનગી બેન્કોમાં હાલમાં ડેપ્યૂટી એમડી કે સીઈઓ ખાસ જોવા મળતા નથી.ઉર્જિત પટેલ આરબીઆઈના ગવર્નર હતા ત્યારે આ મુદ્દે ખાસ્સી વિચારણા થઈ હતી. હવે ફરી આ મુદ્દો આરબીઆઈના એજન્ડામાં આવ્યો છે. છેલ્લાં એક વર્ષમાં યસ બેન્ક સહિતના જે એપિસોડ થયા તેને કારણે રિઝર્વ બેન્ક આ મામલે ફરી સક્રિય થઈ છે.
ગત સપ્તાહે આરબીઆઈએ એચડીએફસી બેન્કના મામલે આકરું વલણ અપનાવ્યું હતું અને જ્યાં સુધી એમડી આદિત્ય પુરીના અનુગામીનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી શશીધર જગદીશન અને ભાવેશ ઝવેરીને એડિશનલ ડિરેક્ટર તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય હાલપૂરતો સ્થગિત કરવા કહ્યું હતું.આ બન્ને આદિત્ય પુરીના સંભવિત અનુગામી બને તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સેબીએ 17 એપ્રિલ, 2014ના રોજ એટલે કે પાંચ વર્ષ પહેલાં આદેશ કર્યો હતો કે કંપની કે બેન્કની સક્સેશન પોલિસી(અનુગામી નક્કી કરવાની નીતિ) સ્પષ્ટ હોવી જોઈશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ મહત્વની કામગીરી રહેશે.