ચોવીસ કલાકમાં 1500થી વધુ મોત વચ્ચે અમેરિકી અર્થતંત્ર ખુલ્લું મુકવાની ટ્રમ્પની તૈયારી

282

– વિશ્વમાં કોરોના કેસ 20 લાખની નજીક પહોંચ્યા, સવા લાખ મોત
– ચીને ખોટી માહિતી આપી એટલે પરિણામ ભોગવવા તૈયાર રહે ટ્રમ્પ બ્રિટનના જીડીપીમાં 13 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા

વૉશિંગ્ટન,

અમેરિકામાં વધુ એક દિવસ ઘાતક સાબિત થયો હતો. રવિ-સોમવારના ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૫૦૯ મોત નોંધાયા હતા. એ વચ્ચે પણ ટ્રમ્પ અમેરિકી અર્થતંત્ર ફરીથી ખુલ્લું મુકવાનો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે ટ્રમ્પે ચીનને ધમકી આપતા કહ્યુ હતુ કે કોરોના વિશે ચીને જગતને ખોટી માહિતી આપ્યે રાખી છે. એટલે આગામી દિવસોમાં ચીન તેના પરિણામો ભોગવવા તૈયાર રહે. વિશ્વભરમાં કોરોનાના દરદીની સંખ્યા ૧૯.૫૦ લાખથી ઉપર પહોંચી ગઈ છે અને આંકડો ૨૦ લાખ નજીક જઈ રહ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧.૨૨ લાખ મોત થયા છે, જ્યારે ૪.૬૦ લાખ દરદી સાજા પણ થયા છે.

એકલા અમેરિકામાં કોરોનાના કેસ ૫.૯૦ લાખે પહોંચ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૨૪ હજાર નજીક પહોંચી ગયો છે. ટ્રમ્પ રોજ રોજ અમેરિકી પત્રકારો સાથે વાત કરે છે. સોમવારે વાત કરતા તેમણે કહ્યુ હતું કે ચીને કેમ માની લીધું કે આ દુર્ઘટનાના પડઘા નહીં પડે? જરૂર પડશે અને ચીનને આકરો પાઠ ભણવા મળશે. માત્ર ટ્રમ્પ નહીં અમેરિકી સંસદના અન્ય સભ્યો પણ હવે ચીન વિરોધી થયા છે. કેટલાક સાંસદોએ ટ્રમ્પને પત્ર લખીને ચીનથી આવતો મેડિકલ સપ્લાય અટકાવી દેવા ભલામણ કરી છે, કેમ કે ચીની સામગ્રી પર હવે અમેરિકનોને વિશ્વાસ નથી.

બીજી બાજુ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. એ નિર્ણય અમેરિકાને ફરીથી ધમધમતું કરવા અંગેનો છે. અત્યારે ૯૫ ટકા અમેરિકનો ઘરે છે, તેમને ફરીથી કેવી રીતે રિધમમાં લાવવા તેની વિચારણા ચાલી રહી છે. યુરોપમાં સ્પેન, ઈટાલી, યુ.કે. વગેરે દેશો કોરોનાગ્રસ્ત છે. એ બધા દેશોના અર્થતંત્ર લગભગ સ્થિર થયા છે. એટલે આર્થિક વિકાસ દર ધીમો પડવાની પુરી શક્યતા છે.

યુ.કે.ના અર્થતંત્ર અંગેનો અંદાજ રજૂ થયો હતો, એ પ્રમાણે તેના જીડીપીમાં ૨૦૨૦ના અંત સુધીમાં ૧૩ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. યુ.કે. કોરોનાના કેસની બાબતમાં ચીનને ઓવરટેક કરી ગયું છે. ત્યાં અત્યાર સુધીમાં ૯૪ હજાર કેસ નોંધાયા છે અને ૧૨ હજારથી વધારે મોત થયા છે.

અત્યાર સુધી કોરોનાથી સાવધ રહેલા રશિયામાં પણ કેસ વધીને ૨૧ હજારે પહોંચી ગયા છે. પરિણામે પુતિને સલામતી માટે નવા પગલાં જાહેર કર્યા હતા. યુરોપમાં સૌથી વધુ કેસ સ્પેનમાં છે. સ્પેનના કેસની સંખ્યા પોણા બે લાખ નજીક પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક ૧૮ હજારે પહોંચ્યો છે. ઈટાલીના કેસ ૧.૬ લાખ, ફ્રાન્સમાં ૧.૩૬ લાખ, જર્મનીમાં ૧.૩૦ લાખ નોંધાયા છે. ઈટાલીમાં ૨૦ હજારથી વધારે જ્યારે ફ્રાન્સમાં ૧૪ હજારથી વધારે મોત થયા છે. જર્મનીએ મોતને કાબુમાં રાખવામાં સફળતા મેળવી છે. ત્યાં સવા ત્રણ હજાર મોત નોંધાયા છે.

કોરોના સામે લડવા સરકાર મીડિયાને જીવન જરૂરી ચીજ ગણે : રાષ્ટ્રસંઘ

સંયુક્ત રાષ્ટ્રસંઘે વિશ્વના દેશોને મીડિયાની મદદ લેવા અંગે સલાહ આપી હતી. રાષ્ટ્રસંઘે જણાવ્યું હતુ કે જગતભરમાં કોરોના વિશે ખોટી માહિતી ફેલાઈ રહી છે. તેની સામે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે મીડિયાની મદદ અનિવાર્ય છે. માટે વિવિધ દેશોની સરકારે મીડિયાને પ્રાથમિક જરૂરીયાતની (અનિવાર્ય) સેવા તરીકે મીડિયાને ગણીને મીડિયા સંસ્થાઓને મદદ કરવી જોઈએ.

ડૉક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ, સરકારી અધિકારીઓની માફક દુનિયાભરના લાખો મીડિયાકર્મીઓ પણ પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોના અંગેની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય છે. એ સંજોગોમાં રાષ્ટ્રસંઘે મીડિયાની મદદથી લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા સરકારોને સક્રિય થવા અપીલ કરી હતી.

Share Now