રોહતક/હરિયાણા, તા.15 એપ્રિલ 2020, બુધવાર
ભારતીય યુવાન સાથે ઓનલાઈન ચેટિંગ બાદ પ્રેમમાં પડેલી મેક્સિકન યુવતીના લોકડાઉન વચ્ચે લગ્ન કરાવવા માટે અડધી રાતે કોર્ટ ખોલવામાં આવી હતી.
આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. હરિયાણાના રોહતકમાં રહેતા નિરંજન કશ્પની ત્રણ વર્ષ પહેલા ઓનલાઈન સ્પેનિશ લેન્ગવેજ કોર્સ શીખતી વખતે મેક્સિકોની યુવતી ડાના ઓલિવેરોઝ ક્રુઝ સાથે દોસ્તી થઈ હતી. બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ.
નિરંજન અને ડાનાએ આ દરમિયાન એક બીજાના પરિવારની મુલાકાત પણ લીધી હતી. બંનેના લગ્નમાં નાગરિકતાનો મુદ્દો અડચણ રુપ બની રહ્યો હતો. આ માટે નિરંજને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એક એપ્લિકેશન પણ કરી હતી. મેજિસ્ટ્રેટે લોકડાઉન પહેલા લગ્ન માટે એક જાહેર નોટિસ બહાર પાડી હતી.
એ પછી ડાના લગ્ન કરવા પોતાની માતા સાથે ભારત આવી હતી.એ પછી લોકડાઉન લાગુ થતા તેમના લગ્ન અટવાઈ ગયા હતા. બીજી તરફ ડાનાની માતાને 24 એપ્રિલે મેકિસકો પાછુ જવાનુ હતુ. જિલ્લા મેજિસ્ટ્રેટને આ વાતની ખબર પડતા આખરે ગઈકાલે રાતે 8 વાગ્યે કોર્ટ ખોલાવીને તેમના લગ્નની વિધિ પૂરી કરાવડાવી હતી. મેરેજ માટે બંને પક્ષ તરફથી બે-બે સાક્ષી હાજર રહ્યા હતા.
જોકે ડાનાની માતા પણ લોકડાઉનના પગલે 5 મેના રોજ મેક્સિકો રવાના થશે.