ઈન્ક્મટેક્સ વિભાગે અઠવાડીયામાં 10.2 લાખ કરદાતાઓને 4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યું

297

– લોકડાઉન દરમિયાન નાણાંકીય તરલતા વધશે

નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન નાણાંકીય તરલતા વધારવા માટે સરકારે કરદાતાઓ અને વેપારીઓના તાત્કાલિક ટેક્સ રિફંડ આપવાની જાહેરાત કરી હતી.જેના અનુંસંધાને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ સપ્તાહની અંદર 10.2 લાખ કરદાતાઓને રૂ.4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવાયું છે. નાણાં મંત્રાલયે ગત સપ્તાહે રૂ.5 લાખ સુધીનું ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરી હતી જેનો લાભ લગભગ 14 લાખ કરદાતાઓને મળશે.

કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે કરદાતાઓ અને વેપારીઓ- ધંધાર્થીઓને રાહત આપવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો.CBDTએ 14 એપ્રિલ 2020 સુધીમાં ટેક્સ રિફંડના 10.2 લાખ કિસ્સામાં રૂ. 4250 કરોડની રકમ ચૂકવાઇ છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે સપ્તાહ દરમિયાન લગભગ 1.75 લાખ કરદાતાઓ-વેપારીઓને ટેક્સ રિફંડ કરવામાં આવશે.કામકાજના 5થી 7 દિવસની અંદર કરદાતાઓના બેન્ક એકાઉન્ટમાં સીધું ટેક્સ રિફંડ જમા કરવામાં આવી રહ્યું છે.

CBDT જે વ્યક્તિગત કરદાતા અને કોર્પોરેટ ટેક્સ સંબંધિત બાબતોની સર્વોચ્ચ સંસ્થા છે,તેણે ગત નાણાંકીય વર્ષે 2.50 કરોડ કરદાતાઓને રૂ.1.84 લાખ કરોડનું ટેક્સ રિફંડ કર્યું હતું.CBDTએ વધુમાં જણાવ્યું કે,લગભગ 1.74 લાખ કિસ્સાઓમાં કરદાતાઓને તેની બાકી ટેક્સ રિફંડની રકમની ચૂકવણીના માંગ સાથે સમાધાન અંગેના ઇ-મેલની રાહ જોવાઇ રહી છે.રિફંડની કામગીરી માટે તેમને મોકલ્યા રિમાઇન્ડર મેલનો પ્રત્યુત્તર 7 દિવસમાં આપવાનો છે.

Share Now