– અમેરિકામાં હાલમાં જ ઉત્પાદન ઘટ્યું હોવાના ડેટા મળતા હતા
અમદાવાદ,
ક્રૂડના ભાવ તૂટવા છતાં ડોલર ઇન્ડેક્સ મજબૂત રહેતાં ભારતીય રૂપિયો 76.44ના નવા તળિયે બંધ રહ્યો હતો.મંગળવારની રજા બાદ ફોરેક્સ માર્કેટ સુધારા સાથે ખુલ્યું હતું.પરંતુ પાછળથી શેરબજારમાં નરમાઈ પાછી ફરતા ડોલર સામે રૂપિયો પણ નીચે સરકી ગયો હતો અને આગલા બંધની સામે 17 પૈસા ગબડીને રહ્યો હતો.ઇન્ટ્રા ડેમાં રૂપિયો 75.99 સુધી સુધર્યો હતો. ભારતીય શેરબજારમાં એફપીઆઈ હવે બલ્ક ડીલ હેઠળ હિસ્સો વેચી રહી હોવાના રિપોર્ટ મળતા હતા.આની વિપરીત અસર ભારતીય કરન્સી પર થઈ હતી.વધુમાં હાલ ટ્રેડરો અને વૈશ્વિક ઇટીએફ ડોલર ઇન્ડેક્સ અને બુલિયન તરફ ઝુકાવ ધરાવતી હોવાથી તેની પણ વિપરીત અસર થઈ હતી.
ઇન્ટરનેશનલ એનર્જી એસોસિયેશન (આઇઇએ) દ્વારા ક્રૂડની માગ ઐતિહાસિક તળિયે ગબડવાની આગાહી કરવામાં આવતા ઓપેક દેશો સહિત રશિયા અને અમેરિકા 1.50 કરોડ બેરલ્સનું ઉત્પાદન ઘટાડવા સહમત થયા હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપી પીછેહઠ જોવાઈ હતી.છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં વધ્યા મથાળેથી લગભઘ 15 ટકા ઘટ્યા છે.આ લખાય છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ 4 ટકા ઘટીને 28.39 ડોલરની સપાટીએ રહ્યું હતું તો ડબલ્યુટીઆઈ બેરલદીઠ 2.7 ટકા ઘટીને 19.56 ડોલર મૂકાતું હતું જે નીચામાં 19.20 ડોલરની 18 વર્ષની નીચલી સપાટીએ ગબડ્યું હતું.
આઇઇએ દ્વારા ભાવિ અંદાજ નિરાશાજનક મૂક્યો હતો. વિશ્વના મહત્ત્વના દેશોમાં લોકડાઉનની સ્થિતિને કારણે માગ ઐતિહાસિક તળિયે ગબડવાની ભીતિ વ્યકત કરી હતી.એનર્જી માર્કેટમાં બ્લેક એપ્રિલ રહેવાની આગાહી કરી હતી. આઇઇએના પ્રમુખ ફૈથ બિરોલે કહ્યું હતું કે,એપ્રિલ 2020 એનર્જી માર્કેટ માટે ઇતિહાસમાં સૌથી ખરાબ મહિનો રહેશે. આ વર્ષે ભાવમાં 60 ટકાનો ઘટાડો થયો છે. સાઉદી અને રશિયા વચ્ચે પ્રાઇસ વોર અંગે સમજૂતી થઈ હોવા છતાં જે રીતે આર્થિક મંદીની આગાહી રવામાં આવે છે તેને જોતાં માગ નબળી રહેશે.એપ્રિલમાં વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિને કારણે વપરાશમાં મોટો ઘટાડો થશે.ઓપેક દેશો સહિત ક્રૂડનું ઉત્પાદન કરતાં દેશોએ કાપનું પગલું ભરતા કંઇક અંશે ઘટાડો
અંકુશમાં રહેશે. હાલ દૈનિક ઉત્પાદન 97 લાખ બેરલ્સનું રહ્યું છે.અમેરિકામાં હાલમાં જ ઉત્પાદન ઘટ્યું હોવાના ડેટા મળતા હતા.