વડોદરામાં વધુ આઠ નવા કેસ : કોરોનાગ્રસ્તોનો આંક પહોચ્યો 132 પર

304

– ડભોઇમાં લૂંટના ગુનામાં પકડાયેલ કોરોનાગ્રસ્ત આરોપીના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીને લાગ્યો ચેપ

વડોદરા,

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કોરોનાનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે.આજે સવારે આ વિસ્તારમાંથી વધુ ચાર કિસ્સામાં કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે.વડોદરા શહેરમાં સાત અને જિલ્લાના ડભોઇમાં એક મળી વડોદરામાં કુલ આઠ નવા કેસ આવતાં જિલ્લાના કુલ કોરોનાગ્રસ્તનો આંક ૧૩૨ પર પહોચી ગયો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે લૂંટના કેસના આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેના સંપર્કમાં આવેલા ડભોઇ પોલીસ મથકના કર્મચારીઓમાં કોરોનાનો ચેપ પ્રસરશે તેવી દહેશત હતી.જેના સંદર્ભમાં જ આજે એક હેડ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેર જિલ્લામાં આજે કુલ આઠ નવા કેસ આવ્યા છે.જેમાં વડોદરા શહેરના સાત અને જિલ્લાના એકનો સમાવેશ થાય છે.આ આઠમાં વડોદરાના રેડ ઝોન નાગરવાડામાં ચાર,સલાડવાડાના વણીકર પાગામાંથી એક તથા વડોદરા શહેરના તદ્દન નવા વિસ્તાર નવાપુરાના કેવડાબાગ પાસે શીન્દે કોલોનીમાંથી એક તથા વાડીના માળી મહોલ્લામાંથી એક કેસ નોંધાયો છે. અને ડભોઇમાંથી પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.ડભોઇ પોલીસે લૂંટ કેસમાં આરોપીની ધરપકડ કર્યાં બાદ તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કોરોનાગ્રસ્ત આરોપીના સંપર્કમાં આવેલા બાર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી ડભોઇ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો કોરોના વાઈરસનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.

વડોદરામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે,તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાગરવાડા સહિત મચ્છીપીઠ,કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ગાંધી નગરગૃહથી અમદાવાદી પોળથી ખત્રી પોળથી સયાજી હોસ્પિટલના રાઉન્ડ વિસ્તારમાં મોટી માત્રામાં લોકોના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.આજથી આ વિસ્તારોમાં માસ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Share Now