બારડોલી,
કોરોનાના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કપરી બની રહી છે.કેળાં પકવતા ખેડૂતોએ વ્યાજબી ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો છે.ત્યારે સુરત જિલ્લાની વિવિધ બાગાયત મંડળીના પ્રતિનિધીઓની એક બેઠક બારડોલી વેજીટેબલ એન્ડ ફ્રૂટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સભાખંડમાં ઉપપ્રમુખ રાજેશ પટેલ (પાપુ)ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં કેળાંની ખેતી કરતાં ખેડૂતો માટે રાહત પેકેજની માંગ કરવાનો ઠરાવ પસાર કરી સરકારને રજૂઆત કરવાનું નક્કી થયું હતું.
કોરોનાએ મોટા મોટા ઉદ્યોગપતિઓથી માંડી ખેડૂતોની પણ કમર ભાંગી નાંખી છે.હાલ લોકડાઉનને કારણે ખેડૂતોને ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવ નથી મળી રહ્યા તેના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં કેળાંની ખેતી કરતાં ખેડૂતોની હાલત આ સ્થિતિમાં કફોડી થઈ ગઈ છે.કેળાંના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પાક પાછળ થયેલ ખર્ચ પણ કાઢી શકે એમ નથી.આવા સંજોગોમાં કેળાંનો વ્યાજબી ભાવ મળે તેવી માંગ સાથે જિલ્લાની વિવિધ કેળાં મંડળીઓ તેમજ બાગાયત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની એક બેઠક વેજીટેબલ એન્ડ ફ્રૂટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સભાખંડમાં ફેડરેશનના ઉપપ્રમુખ રાજેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં કેળાંના ભાવ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
રાજેશ પટેલે જણાવ્યુ હતું કે હાલ ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખેડૂતોના કેળાં વેચાય રહ્યા છે જ્યારે બજારમાં છૂટક વેચાણ કરતાં વેપારીઓ આ જ કેળા 30 થી 40 રૂપિયે ડઝનના ભાવે વેચી રહ્યા છે.ખેડૂતને કેળાંના એક છોડ પાછળ આખા વર્ષ દરમ્યાન 100 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.બાર મહિનામાં એક વખત કેળાં છોડ પર આવેલ છે.સરેરાશ 25 કિલોની એક લૂમ હોય તો ખેડૂતોને ત્રણ રૂપિયાના પ્રમાણે માત્ર 75 રૂપિયા મળી રહ્યા છે. આથી ખેડૂતોને મોટી ખોટ સહન કરવી પડી રહી છે.ખેડૂતો પોતાનો ખર્ચો પણ કાઢી શકે એવી સ્થિતિમાં ન હોવાનું રાજેશ પટેલે ઉમેર્યું હતું.દરમ્યાન આ મામલે સરકારને રજૂઆત કરી કેળાં પકવતા ખેડૂતોને મુશ્કેલીના સમયમાં રાહત પેકેજની જાહેરાતની માંગ કરવાનું નક્કી થયું હતું.આ અંગે કેળાં મંડળીઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.મિટિંગમાં ઉપસ્થિતિ પ્રતિનિધીઓએ કોરોના વાઇરસને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ,માસ્ક સહિતના નિયમોનું પાલન કર્યું હતું.