લોકડાઉન પાર્ટ 2 :કડોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં તમામ જવાબદારી પોલીસના માથે

302

– રાશન કીટથી લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ભૂખ્યાને ભોજન આપવા સુધીની જવાબદારી પોલીસ નિભાવી રહી છે

બારડોલી,

લોકડાઉનના બીજા તબક્કામાં કડોદરાના ઔદ્યોગિક વિસ્તારની હાલત વધુ પડકારજનક બની છે.વહીવટીતંત્રએ હાથ ઊંચા કરતાં વિસ્તારમાં લોકોને અનાજની કીટ પહોંચાડવાથી માંડી ભોજનની વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ જિલ્લા પોલીસના માથે આવી ગઈ છે. ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરો નાનકડા રૂમમાં રહી શકે એમ નથી તેઓ કોઈ પણ ભોગે અહીંથી પોતાના વતન તરફ જવા જીદ કરીને બેઠા છે.ત્યારે કડોદરાની સ્થિતિ વધુ સ્ફોટક ના બને તે માટે ખુદ જિલ્લા પોલીસ વડા અશોક મુનિયા પણ બળબળતા તાપમાં કડોદરા ચાર રસ્તા પર ડેરો જમાવવાની ફરજ પડી છે.

21 દિવસના પ્રથમ લોક ડાઉન દરમ્યાન કડોદરાના ઔદ્યોગિક વિસ્તારો ખાસ કરીને વરેલી,તાતીથૈયા,જોળવા,બગુમરા સહિતના વિસ્તારોમાં મિલમાલિકો, સ્વૈચ્છીક સંસ્થાઓ,પીઇપીએલ,ન્યુ પલસાણા એસોસિએશન સહિતના સેવાભાવિ લોકોએ પોતપોતાની રીતે મદદ કરી હતી અને હજી પણ મદદ તો ચાલુ જ છે.સરકાર દ્વારા પણ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.પરંતુ હવે બીજા તબક્કામાં લોકોની મુશ્કેલી વધી જવા પામી છે.પહેલા તબક્કામાં જેમ તેમ દિવસો કાઢનાર મજૂરોની સ્થિતિ બીજા તબક્કાના લોકડાઉનમાં અત્યંત દયનીય બની ગઈ છે.તમામ મિલ મજૂરો પરપ્રાંતિય છે અને તેઓ એક નાનકડા રૂમમાં 5 થી 10 જણા રહે છે.આવી સ્થિતિ વચ્ચે હવે લોકોનું રાશન પણ ખૂટી રહ્યું છે. તેના કારણે લોકોનો ગુસ્સોવધી રહ્યો છે. પહેલા તો પોલીસનો ડરને કારણે બહાર ન નીકળતા મજૂરોને હવે પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી.ખાવાના ફાંફા પડવાથી લોકો વતન જવાની જીદ પકડીને બેઠા છે.તેવા સમયે આવા વિસ્તારમાં પલસાણા મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી જોવા પણ મળતા ન હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.તમામ જવાબદારી પોલીસના માથે નાંખી દેવામાં આવી હોય તેવો અનુભવ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે.સ્થિતિ વધુ ન વકરે તે માટે ખુદ જિલ્લા પોલીસવડા ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને કડોદરા ચાર રસ્તા પર જ તેમણે ધામો નાંખી સમગ્ર વિસ્તારની પરિસ્થિતી પર બાજ નજર રાખી રહ્યા છે.

મતદારો હોય તેને જ કીટ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા

કડોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં કેટલીક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ્સ અને અનાજની કીટની વિતરણ કરવામાં આવી છે.પરંતુ આ વિસ્તારમાં મતદારો હોય તેને જ કીટ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.જેને કારણે જેને વધુ જરૂરિયાત છે તેના સુધી સહાય પહોંચી શકી નથી. આફતના સમયે પણ માનવતા ભૂલી મતોનું રાજકારણ જોવામાં આવી રહ્યું હોય ત્યારે ગરીબોની આંતરડી કોણ ઠારશે તે પણ એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.

અમુક મર્યાદિત સંખ્યામાં ચાલતા આ ભંડારમાં વધુ પડતાં લોકો આવી જતાં હોય ભંડારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઊભેલી પોલીસના માથે

કેટલાક ગામોમાં પર પ્રાંતિય મજૂરોને માટે ભંડારો શરૂ કરવામાં આવ્યો છે.સરપંચોની આગેવાનીમાં કેટલાક લોકોના સહયોગથી આ ભંડારો ચાલી રહ્યો છે.અમુક મર્યાદિત સંખ્યામાં ચાલતા આ ભંડારમાં વધુ પડતાં લોકો આવી જતાં હોય ભંડારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઊભેલી પોલીસના માથે તમામ જવાબદારી આવી જાય છે ભૂખ્યા રહેતા લોકો પોલીસ સાથે સીધા સંઘર્ષમાં આવી રહ્યા છે.ત્યારે કડોદરાની સ્થિતિ સ્ફોટક ન બને તે માટે જિલ્લા કલેક્ટર પણ ધ્યાન કેન્દ્રિત કરી યોગ્ય પગલાં લે તે જરૂરી બની ગયું છે.નહિતર અહી પણ બાંદ્રા વાળી થાય તો નવાઈ નહીં.

Share Now