ઈંગ્લેન્ડના દિગ્ગજ ફૂટબોલર નોર્મન હંટરનું કોરોના વાઈરસના ચેપને કારણે અવસાન થયું હતુ.૭૬ વર્ષના હંટરે ઈ.સ. ૧૯૬૬ની વર્લ્ડ ચેમ્પિયન ઈગ્લિશ ટીમના ડિફેન્ડર તરીકે સેવા આપી હતી.તેઓને એક સપ્તાહ પહેલા જ કોરોના મહામારીનો ચેપ લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન જ તેમણે દેહ છોડયો હતો.
હંટર ઈ.સ. ૧૯૬૫ થી ૧૯૭૪ દરમિયાન ઈંગ્લેન્ડ તરફથી ૨૮ મેચ રમ્યા હતા,જેમાં તેમણે બે ગોલ ફટકાર્યા હતા.જ્યારે ઈંગ્લિશ કલબ લીડ્ઝ યુનાઈટેડ તરફથી ૧૪ વર્ષમાં ૫૪૦ મેચો રમ્યા હતા અને તેમાં તેમણે ૧૮ ગોલ ફટકાર્યા હતા.પ્રોફેશનલ ફૂટબોલર તરીકેની ૨૦ વર્ષની કારકિર્દીમાં તેઓ લીડ્ઝ ઉપરાંત બ્રિસ્ટલ સિટી અને બામ્સલેય તરફથી પણ રમ્યા હતા.
લીડ્ઝ યુનાઈટેડે હંટરના અવસાનની ભારે દુઃખ સાથે જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે,નોર્મન જેવા લેજન્ડરને ગુમાવવાના સમાચાર આપતાં અમે આઘાત અનુભવી રહ્યા છીએ.તેઓને કોરોના વાઈરસનો ચેપ લાગતાં એક સપ્તાહ પહેલા જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓ જેવા લેજન્ડની વિદાયથી કલબને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે.તેઓનું પ્રદાન ક્યારેય નહીં ભૂલાય.
૭૬ વર્ષના હંટર ૧૯૬૬ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય હતા
લીડ્ઝ યુનાઈટેડના સુપરસ્ટાર છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા
હંટરને ૧૯૬૬ના વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ છેક ૨૦૦૯માં મળ્યો!
ઈંગ્લેન્ડના લેજન્ડરી ફૂટબોલર નોર્મન હંટરને ઈ.સ. ૧૯૬૬માં જીતેલા વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ છેક ૨૦૦૯માં આપવામાં આવ્યો હતો.રસપ્રદ બાબત એ છે કે,વર્ષ ૧૯૬૬ના વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે પશ્ચિમ જર્મનીને હરાવીને વર્લ્ડ ટાઈટલ મેળવ્યું હતુ.જોકે તે સમયે ફાઈનલમાં રમનારા ૧૧ ખેલાડીઓને જ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ટીમમાં સામેલ અન્ય સભ્યોને મેડલ્સ અપાયા નહતા જોકે આ પછી ઈંગ્લેન્ડના ફૂટબોલ એસોસિએશને ફિફા પર દબાણ સર્જ્યું કે,વિજેતા ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને મેડલ આપવા જોઈએ.જે પછી આખરે ફિફા આ માટે તૈયાર થયું હતુ અને તમામ ખેલાડીઓ મેડલ એનાયત થયા હતા.હંટરને છેક ૧૦મી જુન ૨૦૦૯ના રોજ ઈ.સ. ૧૯૬૬ના વર્લ્ડ કપ વિજયનો ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.