દેશમાં કોરોનાના કેસ ૧૩,૩૦૦થી વધુ: ૪૩૭ લોકોનો ભોગ લેવાયો

286

ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસે ભારતમાં લગભગ દરેક રાજ્યોને પોતાની ચપેટમાં લઈ લીધા છે.દેશભરમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા વધીને હવે ૧૩,૩૮૭ થઈ ગઈ છે, જ્યારે ૪૩૭ લોકોનાં મોત નીપજ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે,જ્યારે ૨૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.આ બધા વચ્ચે એક રાહતના સમાચાર છે કે છેલ્લા ૪ દિવસમાં કોરોનાના દરદીઓના સ્વસ્થ થવાની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે કોરોના વાઇરસના શિકાર દરદીઓમાં સ્વસ્થ થવાનો દર ૧૩.૬ ટકા હતો,જ્યારે ગુરુવારે તે ૧૨.૨ ટકા હતો. આ પ્રકારે બુધવારે ૧૧.૪૧ ટકા અને મંગળવારે ૯.૯ ટકા નોંધવામાં આવ્યો હતો.કોરોનાના દરદીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે તે ભારત માટે સારા સંકેત છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસથી ૨૬૦ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ગુરુવારે આ સંખ્યા ૧૮૩ હતી. શુક્રવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી દેશભરમાં ૧૭૪૮ લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

જો રાજ્યો પ્રમાણે વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી સૌથી વધુ દરદીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે.કેરળમાં કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યા ૬૪૩ છે.કહેવાય છે કે અત્યાર સુધી ૨૪૫ લોકો બીમારીમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ ૩૨૦૫ કેસ પૉઝિટિવ છે. જેમાંથી ૩૦૦ લોકોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ઘરે મોકલવામાં આવ્યા છે.ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૮૯૨ પૉઝિટિવ કેસ છે.જેમાં ૭૪ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

Share Now