ઈઝરાયલ, તા. 20 એપ્રિલ 2020, સોમવાર
સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ મહામારી સામે ઝઝુમી રહ્યું છે અને અમેરિકા કોવિડ-19 વડે પ્રભાવિત દેશોમાં સૌથી ટોચ પર છે.તેવામાં ઈઝરાયલમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે.ઈઝરાયલની પ્લુરિસ્ટમ થેરાપી કંપનીની પ્લેસેંટા આધારીત સેલ થેરાપી વડે કોરોના વાયરસનો અમેરિકી દર્દી સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે.અગાઉ આ કંપનીએ કોરોના વાયરસની લપેટમાં આવેલા અને ગંભીર રીતે બીમાર છ ઈઝરાયલી દર્દીઓની પણ સારવાર કરી હતી.
કંપનીએ જે દર્દીઓની સારવાર કરી તે તમામ ઉચ્ચ જોખમો ધરાવતા અને જેમની મરવાની શક્યતા વધારે હતી તેવા દર્દીઓ હતા.સેલ થેરાપીના કારણે આ તમામ દર્દીઓ સાજા થયા છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.ઈઝરાયલના હૈફા શહેર ખાતે આવેલી કંપનીએ સેલ થેરાપી વડે સાજા થનારા દર્દીઓનું પ્રમાણ 100 ટકા હોવાનું જાહેર કર્યું હતું.પ્લુરિસ્ટમ કંપની પહેલેથી જ ન્યૂ જર્સીમાં ત્રીજા સ્ટેજ પર પહોંચેલા દર્દીઓનો અભ્યાસ કરી રહી છે.
ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ વેક્સિન ડિઝાઈનની પેટન્ટ મેળવી
આ તરફ તેલ અવીવ વિશ્વવિદ્યાલયના એક ઈઝરાયલી વૈજ્ઞાનિકે કોરોના પરિવારના વાયરસો માટેની વેક્સિન ડિઝાઈન માટે અમેરિકી પેટન્ટ મેળવી છે. વિશ્વવિદ્યાલયની સ્કુલ ઓફ મોલિક્યુલર સેલ બાયોલોજી એન્ડ બાયોટેક્નોલોજીના પ્રોફેસર જોનાથન ગેર્શોનીને આ પેટન્ટ ‘યુનાઈટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ’દ્વારા આપવામાં આવેલી છે.અહેવાલ પ્રમાણે આ દવાના વિકાસમાં હજુ અનેક મહીના લાગી શકે છે અને ત્યાર બાદ તેનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.